સોમનાથઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે આસ્થાને ક્યારેય આતંકથી કચડી શકાય નહીં. સોમનાથ મંદિર તેનું ઉદાહરણ છે. આ મંદિરના અસ્તિત્વનો અંત લાવવા અનેકવાર પ્રયાસ કરાયો પરંતુ દરેક વખતે તે ઊભું થયું છે. સોમનાથ ખાતે ભારત સરકારની પ્રસાદમ યોજના અંતર્ગત યોજાયેલા વોક વે, અહલ્યાબાઇ મંદિરમાં વિકાસ કામના ખાતમુહૂર્ત, પાર્વતી માતાજી મંદિરના ભૂમિપૂજન તેમજ મ્યુઝિયમના લોકાર્પણ પ્રસંગે તેઓ દિલ્હીથી ડિજિટલી સામેલ થયા હતા. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, સમુદ્રદર્શન વોક વે, અહલ્યાબાઇ સ્થાપિત મંદિરનું નવિનીકરણ થવાથી નવા રોજગાર વધશે તથા સ્થાનની દિવ્યતા વધશે. ચારેય દિશામાં આવેલા ૧૨ જ્યોર્તિર્લિંગ, ચારધામ, શક્તિપીઠો આ તમામ આસ્થાની જે રૂપરેખા છે તે એક ભારત શ્રેષ્ઠ ભારતની અભિવ્યકિત છે. ગુજરાતમાં પ્રસાદ સ્કીમ હેઠળ ૧૦૦ કરોડના ૩ પ્રોજેકટ હાલ ચાલી રહ્યા છે. સોમનાથ ટૂરિસ્ટ સ્પોટને અન્ય શહેરો સાથે કનેક્ટિવિટી પર પણ ધ્યાન અપાઈ રહ્યું છે. સમુદ્ર કિનારે બનેલા ૧.૪૮ કિમી વૉક-વેનો શિલાન્યાસ ડિસેમ્બર મહિનામાં ગૃહપ્રધાન અમિત શાહના હસ્તે થયો હતો. તેને સમુદ્ર દર્શન પથ નામ આપવામાં આવ્યું છે. તે મુંબઈના મરીન ડ્રાઈવની જેમ બનાવાયો છે. આ માટે લગભગ ૪૫ કરોડ રૂપિયાનો ખર્ચ કરાયો છે. તેના દ્વારા અરબી સમુદ્રના કિનારે પર્યટકોને રોમાંચક લટાર મારવાની તક મળશે. આ કારણે દરિયાકાંઠે ઘસારો પણ અટકશે.

