નડિયાદ: શહેરમાં રૂપિયા ચૂકવીને ગરીબ મહિલાઓની કૂખ ભાડે રાખ્યા બાદ નવજાત બાળકોને વેચવાના આંતરરાજ્ય માનવતસ્કરી રેકેટનો પર્દાફાશ થયો છે. નડિયાદમાં રહેતી માયા દાબલા નામની મહિલા બહારના રાજ્યની ગરીબ, વિધવા, ડિવોર્સી અને પ્રેગ્નેન્ટ હોય તેવી મહિલાઓને નડિયાદ ખાતે લાવતી હતી. આ મહિલાને મોટી રકમની લાલચ આપીને દલાલો મારફતે તેની કૂખેથી જન્મતા બાળકનું વેચાણ કરવામાં આવતું હતું.
શિશુનો ફોટો-વીડિયો ગ્રાહકને મોકલાતો
મુખ્ય આરોપી માયા દાબલા શિશુના લિંગ મુજબ બાળકનો સોદો ગ્રાહક સાથે કરતી. આ માટે શિશુનો ફોટો-વીડિયો ગ્રાહકનો મોકલાતો. ગ્રાહક સંપર્કમાં આવે ત્યારે દીકરી માટે રૂ.૩.૫ લાખ અને દીકરા માટે રૂ.૫ થી ૬ લાખ રૂપિયા નક્કી થતા. આટલી માતબર રકમ પૈકી જનેતા માતાને માત્ર રૂ.૧.૫ લાખ જ્યારે દલાલને ૫૦ હજાર રૂપિયા ચૂકવાતા હતા.
મુખ્ય આરોપી માયાએ MBBSનો અભ્યાસ અધૂરો છોડ્યો હતો
આરોપી માયાદાબલાએ ૨૦ વર્ષ પહેલાં MBBSનો અભ્યાસ ત્રણ વર્ષ કર્યા બાદ અધૂરો છોડી દીધો હતો. અભ્યાસ છોડ્યા બાદ તેણે પેસાની જરૂરીયાતવાળી મહિલાઓને શોધીને બાળ તસ્કરીનું કામ શરૂ કર્યું હતું. તેણે ગોવા, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં આ પ્રકારે બાળકોનું વેચાણ કર્યું હોવાની ચોકાવનારી વિગતો બહાર આવી છે.