પાલનપુરઃ આઝાદીના અમૃત મહોત્સવના સમયે ઈ.સ. ૧૯૭૧ના ભારત વિજયના ઈતિહાસને આલેખતી અજય દેવગણની ફિલ્મ 'ભુજ: પ્રાઇડ ઓફ ઈન્ડિયા' ૧૩ ઓગસ્ટના રોજ રીલિઝ થઈ છે. ભારત-પાકિસ્તાનના ઈ.સ. ૧૯૬૫ અને ૧૯૭૧ના યુદ્ધમાં સેનાને મદદ કરી પાકિસ્તાન પર જીત મેળવી એનો હિસ્સો કબજે કરવામાં જેનો સિંહફાળો રહ્યો હતો તે બનાસકાંઠાના સરહદી વિસ્તાર સૂઈ ગામના શૂરવીર રણછોડદાસ રબારી ઉર્ફે પગીને આજે પણ લોકો યાદ કરે છે.
ઈ.સ.૧૯૪૭માં ભારત-પાકિસ્તાનના ભાગલા પડ્યા ત્યારે રણછોડદાસ રબારી પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં રહેવા લાગ્યા હતા, પરંતુ પાકિસ્તાનના લોકોની હેરાનગતિને કારણે એક દિવસ તેઓ ત્રણ પાકિસ્તાની પોલીસકર્મીઓને બાંધીને કોઠીમાં નાખીને બનાસકાંઠાના રાધાનેસડા ખાતે આવી ગયા. તેમણે ગામમાં ચોકીદાર તરીકેની નોકરી શરૂ કરી હતી. એ સમયે તેમની પાસે અદભુત પગચિહ્ન ઓળખવાની કળા હોવાથી અહીં તેમણે અનેક ચોરીઓનો ભેદ ઉકેલી દીધો. પોલીસ વિભાગમાં પગી તરીકે તેમની નિમણૂક કરવામાં આવી. તેમની આ કલાની ખબર ભારતીય સૈન્યને પણ પડી. એ સમયે ઈ.સ ૧૯૬૫ના યુદ્ધમાં પણ વિઘાકોટ સુધી પાકિસ્તાની સૈન્ય આવી જતાં રણમાં ભૂલા પડેલા સૈન્યને રણછોડ પગીએ ખૂબ જ મદદ કરી હતી.
ઈ.સ. ૧૯૭૧ના યુદ્ધ દરમિયાન ભારતીય સૈન્યને ઊંટ દ્વારા સમયસર દારૂગોળો પહોંચાડતાં ભારતીય જવાનોએ ધોરા અને ભાલવાનાં થાણાં કબજે કર્યાં હતાં. આખરે ૧૬મી ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ભારતીય સેનાએ પાકિસ્તાન પર વિજય મેળવ્યો હતો.
૭૧ના યુદ્ધમાં પાકિસ્તાન સૈન્યની માહિતી પહોંચાડી હતી
ઈ.સ.૧૯૭૧ના યુદ્ધમાં રણછોડભાઈ પગીએ બોરિયાબેટથી ઊંટ ઉપર પાકિસ્તાનમાં જઇ ત્યાં આવેલા ધોરા વિસ્તારમાં છુપાયેલા પાકિસ્તાનના સૈન્યની માહિતી ભારતીય સૈન્યને પહોંચાડી હતી. જેથી ભારતીય સૈનિકોએ ધોરા પર કૂચ કરી આક્રમણ કરી દીધું. આ સમયે કરાયેલા હુમલામાં બોમ્બમારો ચાલુ હતો, ત્યારે ભારતીય સૈન્ય પાસે દારૂગોળો ખૂટી ગયો હતો. જેથી ભારતીય સૈન્યની ૫૦ કિ.મી. દૂરની બીજી છાવણીમાંથી રણછોડ પગીએ ઊંટ ઉપર દારૂગોળાનો જથ્થો લાવીને સૈન્યને પહોંચાડ્યો હતો. ભારતીય હવાઇદળનાં ફાઇટર વિમાનોએ ધોરા અને ભાલવાનાં થાણાં કબજે કર્યા હતા.
ભારતીય સૈન્ય દ્વારા ત્રણ મેડલ એનાયત
રણછોડભાઈની ૩૧ વર્ષ ૨ માસ અને ૨૬ દિવસ સુધીની યશસ્વી કામગીરીની કદર કરીને ભારતીય સૈન્ય દ્વારા ત્રણ મેડલ એનાયત કરવામાં આવ્યા હતા, જેમાં (1) સંગ્રામ સેવા મેડલ (2) પોલીસ મેડલ ફોર મેરીટોરિયમ સર્વિસ ઇન્ડિયન પોલીસ મેડલ અને (3) સમર સેવા સ્ટાર મેડલ-૧૯૬૫. આ સિવાય, બી.એસ.એફ. દ્વારા ૯૯૦ નંબરના પિલ્લર ઉપર રણછોડ દાસ બી.ઓ.પી. કરીને આખી પોસ્ટ ઊભી કરવામાં આવી છે, ત્યાં તેમનું સ્ટેચ્યૂ બનાવવામાં આવ્યું છે.
રણછોડભાઈ રબારીનું દેહાવસાન ૨૦૧૩ના રોજ થયું હતું. તેમની અંતિમ ઈચ્છા પૂર્ણ કરવામાં આવી હતી. તેમની ઈચ્છા હતી કે તેમના શબના માથા પર પાઘડી રાખવામાં આવે અને અગ્નિદાહ ખેતરમાં જ આપવામાં આવે.