રાજકોટઃ રાજકોટના રાજવી પરિવારમાં રૂ.૧૫૦૦ કરોડની સ્થાવર-જંગમ મિલકત વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. રાજકોટના રાજવી માંધાતાસિંહ જાડેજાએ પૈતૃક મિલકતોની વહેંચણીમાં પોતાને અંધારામાં રાખીને આર્થિક હિતને નુકસાન કર્યાના મુદ્દે તેમના બહેન રાજકુમારી અંબાલિકાદેવીએ અપીલ સહિત કેસ કર્યા છે. આ પૈકી સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઇ છે. અંબાલિકા દેવી તરફથી રજૂ થયેલા આધાર-પુરાવાઓ પ્રાંત અધિકારીએ ગ્રાહ્ય રાખીને અંબાલિકા દેવી તરફી ચુકાદો આપ્યો છે. ઠાકોર સાહેબ માંધાતાસિંહે સરધાર અને માધાપરની મિલકતના હક્કપત્રકમાંથી બહેન અંબાલિકા દેવીના નામ કમીની જે નોંધ કરાવી હતી એ નામંજૂર કરતા માંધાતાસિંહને કાનૂની લપડાક લાગી છે.
પ્રાંત અધિકારીના ચુકાદાને માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે
આ હુકમને ઠાકોર સાહેબ માંધાતાસિંહ કલેકટર સમક્ષ પડકારી શકશે. પ્રાંત અધિકારીએ આપેલા ચુકાદાને ૬૦ દિવસમાં માંધાતાસિંહ કલેકટર સમક્ષ અપિલ દાખલ કરી શકશે.
શું છે સમગ્ર વિવાદ?
રાજ્યના ભૂતપૂર્વ નાણાંપ્રધાન અને રાજકોટના પૂર્વ રાજવી મનોહરસિંહ જાડેજાનાં નિધન બાદ ભાઇ-બહેન વચ્ચે આ વિવાદ ઊભો થયો છે. જેમાં પૂર્વ રાજવીની વસિયત પ્રમાણે બહેનને દોઢ કરોડ રૂપિયા આપી દેવામાં આવ્યાની દલિલ સાથે માંધાતાસિંહના પક્ષેથી એવો દાવો થઇ રહ્યો છે કે બહેન અંબાલિકાદેવી પુષ્પેન્દ્રસિંહ બુંદેલાએ એ વસિયત વાંચીને ભાઇની તરફેણમાં રિલીઝ ડીડ પણ કરી આપ્યા બાદ પાછળથી આ તકરાર ઊભી કરવામાં આવી છે.