નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાનનું ગત ૨૧ ઓગસ્ટે સાંજે નિધન થયું હતું. તેઓ છેલ્લા બે મહિનાથી બિમાર હતા અને લખનઉના એસજીપીજીઆઇમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા બે દિવસમાં બે વખત મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ તેમના ખબરઅંતર લેવા માટે હોસ્પિટલ આવ્યા હતા.
ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન ઉપરાંત હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનના રાજ્યપાલ પણ રહી ચુકેલા કલ્યાણસિંહના નિધનના પગલે તેમના ચાહકો, ભાજપના નેતાઓ અને કાર્યકર્તાઓમાં શોકનો માહોલ છે. લખનઉના પીજીઆઇએ એક નિવેદન જારી કરીને કહ્યું હતું કે કલ્યાણસિંહને ચાર જુલાઇના રોજ સંજય ગાંધી પીજીઆઇના ક્રિટિકલ કેર મેડિસિનના આઇસીયુમાં ગંભીર અવસ્થામાં દાખલ કરવામાં આવ્યા હતા.
લાંબી બિમારીને પગલે તેમના શરીરના મોટા ભાગના અંગોએ ધીરે ધીરે કામ કરવાનું બંધ કરી દીધુ હતું અને કીડનીમાં પણ ઇંફેક્શનની સમસ્યા થઇ ગઇ હતી. તેમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ, પૂર્વ મુખ્યપ્રધાન અખિલેશ યાદવ સહિતના નેતાઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. ૮૯ વર્ષના કલ્યાણસિંહને શ્રદ્ધાંજલિ પાઠવતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે કલ્યાણસિંહે ખેડૂતો, મહિલાઓ, યુવાઓના વિકાસ માટે મોટુ યોગદાન આપ્યું છે. તેઓ કરોડો વંચિતોનો અવાજ બન્યા હતા.
નોંધનીય છે કે કલ્યાણસિંહનો જન્મ ૫ જાન્યુઆરી ૧૯૩૨ના રોજ ઉત્તર પ્રદેશના અતરૌલીમાં થયો હતો. બાળપણથી જ તેઓ આરએસએસમાં સક્રિય થઇ ગયા હતા. તેઓએ એલએલબી સુધીનો અભ્યાસ કર્યો હતો અને બાદમાં રાજકારણમાં જોડાઇ ગયા.
તેઓને ભાજપના સ્થાપકોમાં સ્થાન આપવામાં આવે છે. કલ્યાણસિંહે રામ મંદિર નિર્માણ આંદોલનમાં મોટી ભૂમિકા નિભાવી હતી. તેઓ બે વખત ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન રહી ચુક્યા છે. બાબરી ધ્વંશ થયો ત્યારે તેઓ સીએમ હતા, જે બાદ રાજીનામુ આપી દીધું, બાદમાં ૧૯૯૭થી ૧૯૯૯ સુધી તેઓ ફરી મુખ્યપ્રધાન પદે રહ્યા.
કલ્યાણસિંહ પંચતત્વમાં વિલિન થયાઃપુત્રએ મુખાગ્નિ આપી
ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્યપ્રધાન કલ્યાણસિંહ પંચતત્વમાં વિલિન થઇ ગયા હતા. તેમના અંતિમ સંસ્કાર રાજકીય સન્માન સાથે બુલંદશહરના નરૌરા ઘાટ પર કરવામાં આવ્યા હતા. તેમના પુત્ર રાજવીરે મુખાગ્ની આપી હતી. અંતિમ સંસ્કારમાં યોગી આદિત્યનાથ, અમિત શાહ, રાજનાથ સહિતના નેતા હાજર રહ્યા હતા.
અન્ય જે નેતાઓ હાજર રહ્યા હતા તેમાં કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઇરાની, ઉપ મુખ્યપ્રધાન કેશવ પ્રસાદ મૌર્ય, યોગી આદિત્યનાથ, અમિત શાહ વગેરેએ પણ આહુતી આપી હતી. અમિત શાહે કહ્યું હતું કે કલ્યાણસિંહના જવાથી ભાજપમાં મોટી ખોટ વર્તાઇ રહી છે. ભાજપે એક દિગ્ગજ અને હંમેશા સંઘર્ષરત રહેતા નેતાને
ગુમાવ્યા છે.

