રઘુવંશી અગ્રણી - ચૌકીધાણીના માલિક ભુપેન્દ્રભાઈ ખખ્ખરનું નિધન

Tuesday 24th August 2021 14:42 EDT
 
 

રાજકોટઃ ૨ઘુવંશી સમાજના અગ્રણી અને સૌરાષ્ટ્રના સુખ્યાત રિસોર્ટ ચૌકીધાણીના માલિક શ્રી ભૂપેન્દ્રભાઇ ખખ્ખર (૭૬)નું સોમવારે - ૨૩ ઓગસ્ટે તેમના નિવાસસ્થાને નિધન થયું છે. રાજકોટ લોહાણા મહાજનના ભૂતપૂર્વ ઇન્ટરનેશનલ ઓડિટર એવા ભૂપેન્દ્રભાઇએ ‘શ્રીનાથજીની ઝાંખી’ અને ‘ઠાકોરજી પધાર્યા મારે ઘેર’ જેવા ધાર્મિક કાર્યક્રમ થકી દેશવિદેશમાં આગવી નામના મેળવી હતી. તેઓ છેલ્લા એકાદ વર્ષથી નાનીમોટી બીમારીથી પીડાતા હતા.
પ્રાપ્ત માહિતી અનુસા૨ સ્વ. ભૂપેન્દ્રભાઈ છેલ્લા એકાદ વર્ષથી કિડની સહિતની નાનીમોટી બીમારીઓથી ઘેરાયેલા હતા. તેમને નિયમિત ડાયાલિસિસ કરાવવું પડતું હતું. ચારેક દિવસથી તેમની સા૨વા૨ નિવાસસ્થાને જ ચાલતી હતી.
એક સમયે રાજકોટ લોહાણા મહાજનના ઇન્ટરનેશનલ ઓડિટર તરીકે જવાબદારી સંભાળતા સ્વ. ભૂપેન્દ્રભાઇ તેમના સેવાકાર્યો થકી સમાજમાં મુઠ્ઠીઊંચેરું સ્થાન ધરાવતા હતા.
શ્રીનાથજીની ભક્તિના રંગે રંગાયેલા સ્વ. ભૂપેન્દ્રભાઇ ખુદ ગીત-સંગીતમાં ઊંડી રુચિ ધરાવતા હોવાથી તેમણે આગવી સૂઝબૂઝથી ગીત-સંગીત-નૃત્યનો ત્રિવેણીસંગમ રચતા વિવિધ કાર્યક્રમો તૈયાર કર્યા હતા. જેમાંથી ‘શ્રીનાથજીની ઝાંખી’ અને ‘ઠાકો૨જી પધાર્યા મારે ઘે૨’ જેવા કાર્યક્રમ તો પ્રચંડ લોકપ્રિયતાને વર્યા હતા. તેમાં જાણીતા ગાયિકા નિધિ ધોળકીયા સહિતના જાણીતા કલાકારો જોડાયેલા હતા. રાજકોટ-જામનગર હાઇવે પર સાકાર કરેલા ચૌકીધાણી રિસોર્ટમાં પણ તેમની કળાસૂઝની ઝાંખી જોવા મળતી હતી. તેઓ રાજકોટમાં સૌપ્રથમ કાવેરી હોટેલ સાથે સંકળાયેલા હતા. આ ઉપરાંત દીવ સહિતના ટુરિસ્ટ ડેસ્ટિનેશન ઉપ૨ વિવિધ હોટેલ્સનું મેનેજમેન્ટ સંભાળીને પ્રવાસન ઉદ્યોગ ક્ષેત્રે સ્વ. ભૂપેન્દ્રભાઈએ મહામૂલું યોગદાન આપ્યું છે.
સ્વ. ભૂપેન્દ્રભાઈ તેમની પાછળ માતુશ્રી જુગતાબહેન, પત્ની માલતીબહેન, પુત્ર નૈમિભાઇ - પૂત્રવધુ નિશાબહેન તેમજ પૌત્ર-પૌત્રી એશા અને સૌમ્યને વિલાપ ક૨તા છોડી ગયા છે.
‘ગુજરાત સમાચાર’ - Asian Voice સાથે ઘનિષ્ઠ પારિવારિક નાતો ધરાવતા સ્વ. ભૂપેન્દ્રભાઇ ખખ્ખરના નિધન અંગે એબીપીએલ પરિવાર શોકની લાગણી વ્યક્ત કરે છે. પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગસ્થના આત્માને ચિર શાંતિ અર્પે તેવી પ્રાર્થના સહ ૐ શાંતિ, શાંતિ શાંતિ...


comments powered by Disqus