રાજકોટઃ હાલના કોવિડ મહામારીના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રના લોકોની દુર્દશા જોઈ મયુર રાણોલીયા નામના મૂળ સૌરાષ્ટ્રના અને હાલ અમેરિકામા વસતા આઈ.ટી. ફિલ્ડ સાથે સંકળાયેલા યુવાને માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે પ્રોજેક્ટ માતૃભૂમિ નામનું કેમ્પેઇન શરૂ કર્યુ હતું. જેમાં તેણે સાત કરોડનું દાન એકત્ર કરી ૧૧૫૦ નંગ ઓક્સિજન કોન્સન્ટ્રેટર મશીન રાજકોટ મોકલ્યા છે. અહીં જરૂરિયાતમંદને ફ્રીમાં આપવામાં આવશે.
હાલ અમેરિકામા રહેતા અનેક સૌરાષ્ટ્રવાસીઓ દ્વારા ૧૧૫૦ નંગ ઓક્સિજન કોન્સેન્ટેટર મશીન તથા તેની કિટ સૌરાષ્ટ્રના જરૂરિયાતમંદ લોકો સુધી વિનામૂલ્યે વિતરિત કરવા માટે સાત કરોડ જેટલું માતબર ફંડ સૌરાષ્ટ્ર પટેલ કલ્ચરલ સમાજ નામની સંસ્થા બનાવી એકત્ર કરવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના અનેક ગામોમાં ઓક્સિજન સિલિન્ડરની ખૂબ જ અછત વર્તાતા રાજકોટના SPCSના પ્રમુખ કપિલ પટેલ અને સાથી યુવાનો દ્વારા તમામ મશીન સૌરાષ્ટ્રના ગામડાઓ સુધી તાત્કાલિક પહોંચાડી શકે તેવી રાજકોટ ખાતે યુવાનોની ટીમ બનાવામાં આવી છે.
રાજકોટના એક વેર હાઉસ ખાતે તમામ મશીન સ્ટોર કરવામાં આવ્યા અને ત્યાંથી આસપાસના તમામ ગામડાઓમાં રહેતા જરૂરિયાતમંદ લોકો સુધી આ મશીન પહોંચાડવાની સુવિધા માટે બાલાજી વેફર્સ તથા તેમના સ્વયંસેવકોએ તમામ ટ્રાન્સપોર્ટેશનની જવાબદારી ઉઠાવી છે.