સુરતઃ આખરે ૧૧ દિવસના સંઘર્ષ બાદ ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચેના યુદ્ધનો વિરામ આવ્યો છે ત્યારે ઈઝરાયેલમાં છેલ્લા ૩૫ વર્ષથી રહેતા શ્રેયસ પટેલે તેમનો અનુભવ જણાવ્યો છે. એક દિવસ બીચ ઉપર સમય પસાર કરતી વખતે રોકેટ તે સ્થળે દેખાતા અમને ત્યાંથી ખસેડી લેવાયા હતા.
ડાયમંડનો બિઝનેસ કરનાર અનેક સુરતી અને ગુજરાતી પરિવાર ઈઝરાયેલમાં રહે છે. ઇઝરાયેલમાં ડાયમંડના મેન્યુફેક્ચરિંગ અને ટ્રેડિંગનાં બિઝનેસને લઈને શ્રેયસ પટેલ તેમના પત્નિ અને પુત્ર સાથે ત્યાં રહે છે. ઇઝરાયેલમાં આશરે સાતથી આઠ વાર આ પરિવારે આવા યુદ્ધને જોયું છે. જાનહાની ટાળવા માટે રેસિડન્સમાં ફરજીયાત સ્ટ્રોંગરૂમ હોવાને કારણે ત્યાં વસતા લોકોમાં ચિંતા ઓછી જોવા મળે છે. પરંતુ યુદ્ધ જેવા સમયે ભયના માહોલ વચ્ચે પણ તેઓ સતર્કતાને વધારે મહત્વ આપે છે. ઇઝરાયેલમાં થોડા થોડા ડિસ્ટન્સ પર ગુજરાતી પરિવાર વસ્યા છે. જો કે તે બધા સુરક્ષિત છે. શ્રેયસ પટેલે કહ્યું કે, યુદ્ધ પૂરું થતા દરેકે હાશકારો મેળવ્યો છે પરંતુ ૧૧ દિવસમાં અનેકવાર સાઈરન વાગતાની સાથે સ્ટ્રોંગરૂમનો સહારો દરેકે લેવો પડ્યો છે. આવા યુદ્ધ સાત વાર જોયા છે. શરૂઆતના દિવસોમાં એકવાર અમે બીચ પર ગયા હતા ત્યારે રોકેટ અમારી તરફ આવતા દેખાયા અને સાયરન વાગતાની સાથે જ અમને જાણ થઈ હતી કે રોકેટ અહીં પડશે. જેથી અમને તાત્કાલિક ત્યાંથી ખસેડી સુરક્ષિત સ્થળે લઈ જવાયા હતા.
