ઉનામાં રોડ, પાણીને વીજ પુરવઠો પૂર્વવત કરવા મુખ્યપ્રધાનની તંત્રને તાકીદ

Wednesday 26th May 2021 06:48 EDT
 
 

ઉના,રાજુલા: મુખ્યપ્રધાન રૂપાણી હવાઇ માર્ગે ઉના અને રાજુલાની મુલાકાતે આવ્યા હતાં. તૌક-તે વાવાઝોડાને લીધે સર્જાયેલી ખાનાખરાબીની સ્થિતીનું હવાઇ નિરીક્ષણ કર્યું હતું. સાથે સ્થાનિક લોકોને સાંભળ્યા હતા. તેમણે આ તકે વીજળી,પાણી, જેવા પ્રાથમિક સુવિધાના કામો ૨ દિવસમાં પૂર્વવત કરવા અધિકારીઓને તાકીદ કરી હતી. ઉના તાલુકામાં વીજ પુરવઠો પૂર્વવત કરવા હાલ ૨૦૦ કર્મચારી કાર્યરત છે. રાજૂલાના કોવાયા અને જાફરાબાદના પીપરીકાંઠામાં મુખ્યપ્રધાને માછીમારોને કેશડોલ્સ ચુકવવા સાથે બોટની નુકસાનીમાંથી ઉગરવામાં પણ રાજ્ય સરકાર મદદ કરશે એમ જણાવ્યું હતું. ખેતી, બાગાયતી પાક અને મકાનોને થયેલા નુકસાનનો તાત્કાલિક સર્વે કરી નિયમાનુસાર ગ્રામજનોને રાહત આપવાની પ્રતિબદ્વતા દર્શાવી હતી. બાદમાં તેઓએ જિલ્લાના અધિકારીઓ, અગ્રણીઓ સાથે સમીક્ષા બેઠક યોજી હતી. તેમણે અસરગ્રસ્ત વિસ્તારોમાં નુકસાનીના પ્રાથમિક અંદાજો તૈયાર કરવા જિલ્લા તંત્રને માર્ગદર્શન આપ્યું હતું. ગિર સોમનાથ જિલ્લાના ૧૭૦ ગામમાં વાવાઝોડાને લીધે પાણીની વિતરણ વ્યવસ્થા લીધે પાણીની વિતરણ વ્યવસ્થા ખોરવાઇ ગઇ હતી.

વાવાઝોડાની રાતને જીવનની અંતિમ રાત માની હતી

'તાઉ-તે' વાવાઝોડાએ ૧૭મીની રાતે ઉનાથી પ્રવેશ કર્યો હતો અને ગુજરાતના મોટાભાગના વિસ્તારમાં વિનાશ વેર્યો છે. સૌથી વધુ અસર ગીર સોમનાથ અને અમરેલી જિલ્લામાં થઇ છે. અમેરલી જિલ્લાના દરિયાની વચ્ચોવચ આવેલા શિયાળબેટ ટાપુમાં તાઉ-તેએ જે વિનાશ વેર્યો છે તેની ભયાનકતા સ્થાનિકોએ જણાવતા બોલ્યા કે, અમે વાવાઝોડાની એ રાતને અંતિમ રાત માની લીધી હતી.
'તૌક-તે' વાવાઝોડાના કારણે જાફરાબાદના શિયાળબેટમાં ભારે નુકસાન થયું છે. 'તૌક-તે' એ સર્જેલી તારાજીના કારણે અનેક લોકો બેઘર થયા છે. શિયાળબેટમાં અંદાજે ૧૩૦૦ વધુ મકાનો ધરાશાયી થયા છે. જેના કારણએ મોટાભાગના લોકો ઘર વિહોણા બન્યા છે. તો કેટલાક લોકોની બોટ તણાઇ જવાથી તેઓ રોજગારી વિહોણા બન્યા છે. સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વાવાઝોડાના પગલે દરિયો ગાંડોતુર બન્યો હતો. દરિયાના પાણી શિયાળબેટમાં ઘૂસી જતાં શેરીઓ અને ઘરોમાં પાણી ભરાયા હતા. ભારે પવનના કારણે ઘરોની દિવાલો ધરાશાયી થઇ રહી હતી અને ભારે પવનના કારણે ચારે તરફ નળિયા ઉડતાં હોય તેવો નજારો જોવા મળ્યો હતો. આ પ્રકારનુ વાવાઝોડું અત્યાર સુધી ક્યારેય જોયું નથી. અમને થયું કે આ રાત અમારી અંતિમ રાત છે. અત્યારે તો એવી સ્થિતિ છે કે ધંધા વગરના થઇ ગયા છે પણ જીવ માંડ બચ્યો તેનો હાશકારો છે. શિયાળબેટને પુનઃ બેઠું કરવા માટે સ્પેશિયલ પેકેજની જાહેરાત કરવામાં આવવી જોઇએ. છ કરોડનું પેકેજ જાહેર કરવામાં આવે તો શિયાળબેટ બેઠું થઇ શકે છે.

૩૯ વર્ષ બાદ અમરેલીમાં વાવાઝોડું ત્રાટક્યું

૩૯ વર્ષ બાદ અમરેલી જિલ્લાએ ફરી એકવાર આવું ભયાનક વાવાઝોડું જોયું. ઠેકઠેકાણે વૃક્ષો-મકાનો ધરાશાયી થયા હતા. રસ્તાઓ બંધ થઇ હતા. રસ્તાઓ બંધ થયા હતા. વીજ પુરવઠા સાથે મોબાઇલ નેટવર્ક પણ ખોરવાઇ ગયું છે. રાજુલા જાફરાબાદના દરિયાકાંઠા પર ૧૭૫ કિં.મી.ની ઝડપે પવન ફુંકાયો હતો. અમેરિલી જિલ્લામાં ૮૦ હજાર કરતાં વધારે વૃક્ષો જમીનદોસ્ત થઇ ગયા હતા. અમરેલી શહેરમાં ૪૫૦થી વધુ વૃક્ષો પડી ગયા હતા. અમરેલી જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે જિલ્લામાં ૨૬૧૦ જેટલા વિજપોલ ધરાશાયી થઇ જતાં તમામ ૬૦૩ ગામોમાં વીજપુરવઠો ખોરવાઇ ગયો હતો.

કોરોનાએ સ્વજનો તો વાવાઝોડાએ મકાનો અને ખેતરો સાફ કરી નાખ્યા

વિસાવદરથી ૯ કિલોમીટર દુર આવેલા લેરીયા ગામે મધરાતે ૧૨ વાગ્યા બાદ વાવઝોડું આવી પહોચ્યું હતું, ગામના સરપંચ કિશોરભાઈ ડોબરિયાએ જણાવ્યું હતું કે, બે કલાક સુધી વાવાઝોડાએ આખા ગામને ઘમરોળ્યું હતું, આશરે ૧૨૦ની ઝડપે ફૂંકાતા ભારે વરસાદ સાથેના પવનને લીધે ગામમાં ૫૦ જેટલા મકાનોના નળિયા, પતરા ઉડી ગયા હતા, ખેતરમાં ઉનાળુ પાન તલ,અડદ, મગને મોટું નુકશાન થયું છે. વિસાવદર, મંડાવડ, જુનાગઢ, સુખપુરના રસ્તાઓ બંધ છે. અનેક વીજપોલ ધરાસાઈ થયેલ છે.

તોફાની પવને તબાહ કરી દીધા-ખેતરોમાં નુકસાન

વંથલી તાલુકાના ધંધુસર ગામના સરપંચ અરજણભાઈ દીવરાણીયાએ જણાવ્યું હતું કે, અહીના તમામ આંબાના બગીચાઓ ભારે પવનમાં સાફ થઈ ગયેલા છે, અનેક કાચા મકાન પડી ગયા હતા. ૧૦૦ કિલોમીટરથી વધુની ઝડપે પવન ફૂંકાતા પતરાના શેડ ઉડી ગયા હતા.

મકાનના છાપરા કિલોમીટર દૂર સુધી ફંગોળાયા

વિસાવદર તાલુકાના શોભાવડલા ગીર ગામે રાતે વાવઝોડું ખાબક્યું હોવાનું ગામના સરપંચ સુભાષભાઈ માંગરોળીયાએ જણાવ્યું હતું, સાથે જણાવ્યું કે, ગામમાં એક આંબાનું ઝાડ એક મકાન પર પડતા ભારે નુકશાન થયેલ છે, તો ખેતરમાં તલ, અડદના પાકને નુકશાન થયેલ છે, પવનના લીધે અનેક ઢાળિયા ધરાસાઈ થયેલા છે, જેના પતરા હવામાં કિલોમીટર સુધી દુર જઇને ફંગોળાયા હતા.

રસૂલપરામાં ધડાધડ મકાનોના છાપરા ઊડયા

ધોરાજીના રસૂલપરા ગામે મકાનોના છાપરા ઉડતા ગ્રામજનો હેબતાઈ ગયા હતા. આસપાસ માર્ગો ઉપર રાતભર વૃક્ષો, વીજપોલ પડતા અહી એસ.ટી. બસની તમામ સર્વિસ રદ કરવી પડી છે.
બગસરાના હામાપુર, મૂંજીયસાર લૂંધિયા સંપર્ક વિહોણું
તાલુકાના હામાપૂર, સાપર, લૂંઘીયા, મૂંજીયાસર ગામો સંપર્ક વિહોણા બની ગયો. ગ્રામ્ય માર્ગો ઉપર વૃક્ષો અને વીજપોલ પડયા હોઈ ત્યા જઈ શકાતુ નથી.

વાવાઝોડામાં આંબાને મૂળથી ઉખાડ્યા, કેરીનો સફાયો થયો

તાલાલા પંથકનું અમૃતફળ કેસર કેરી આંબા ઉપરનો અંદાજે ૬૦થી ૭૦ કરોડના તૈયાર પાકનો સોથ વળી દીધો છે. આટલું ઓછું હોય તેમ તાલાલ પંથકની કુલ ૧૩૮૨૭થી પણ વધુ હેક્ટરમાં પથરાયેલ કેસર કેરીના ૧૫ લાખથી પણ વધુ વૃક્ષો વાવાઝોડાની લપેટમાં આવી જતા અનેક ગામના બગીચામાં સખ્યાબંધ આંબાઓ જમીનમાંથી ઉખડી ગયા હતા. સોરઠમાં આ વર્ષે ૨૪૬૮૦ હેક્ટરમાં કેરીના પાકનું વાવેતર કરવામાં આવ્યું હતું. જેમાં જુનાગઢ જિલ્લામાં ૮૬૭૫ હેક્ટર અને ગીર સોમનાથ જિલ્લામાં ૧૬૦૦૫ હેકટરમાં વાવેતર થયું હતુ, જેમાંથી આ વર્ષે ૧,૭૨,૫૫૯ મેટ્રિક ટન કેરીનું ઉત્પાદન થવાની ધારણા હતી. પરંતુ વાવાઝોડાએ ૭૦ ટકા પાકનો સોથ વાળી દીધો છે.

રાજકોટમાં મેંગો માર્કેટ બહાર ૧ કિ.મી.ની લાઈન

તૌક-તે વાવાઝોડાને કારણે ગીર પંથકમાં કેસર કેરીનો સોથ બોલી ગયો છે. આંબા મૂળ સહિત ઊખડી જતા કેરીનો પાક ૯૦ ટકા ફેલ ગયો છે. જ્યારે બીજી તરફ રાજકોટ નજીક આવેલ કુવાડવા રોડ પર સ્થિત મેંગો માર્કેટમાં ૧૯ મેના એક દિવસમાં ૫૦ હજાર બોક્સ ઠલવાયા હતા. ખરીદનાર અને વેચનારની મેંગો માર્કેટ બહાર એક કિલોમીટર લાંબી લાઇન લાગી હતી. જે ખેડૂતોનો માલ સંપૂર્ણપણે ખરી ગયો છે એ ખેડૂત મજબૂરીમાં નીચા ભાવે કેરી વેચવા માટે મજબૂર બન્યા છે. રાજકોટ સુધી કેરી પહોંચતી કરવા માટે પૂરતો ખર્ચ નીકળે એમ નહીં હોવાથી ખેડૂતોએ ખુદ આવવાનું ટાળ્યું હતું અને માલ મજૂરોની સાથે મોકલી દીધો હતો. મેંગો માર્કેટ આવેલા માલની ખપત થાય માટે મોરબી, ધ્રાંગધ્રા, કચ્છ તરફ કેરીના બોક્સ વેચાણ માટે મોકલવા પડ્યા હતા. સામાન્ય દિવસોમાં ૧૫ હજાર બોક્સની આવકના બદલે ૧૯ મેના ત્રણ ગણી આવક થઇ હતી.


comments powered by Disqus