કચ્છના નાના રણ વિસ્તારના મીઠાના પાટામાં પાણી ફરી વળતાં અગરિયાઓ પાયમાલ

Wednesday 26th May 2021 07:04 EDT
 
 

ભૂજઃ અરબી સમુદ્રમાંથી આવેલા 'તૌક-તે વાવાઝોડાએ ગુજરાતના દરિયાકાંઠાનાં શહેરોમાં તો તારાજી સર્જી છે, પણ એની અસરથી રણ વિસ્તાર પણ બાકાત નથી રહ્યો. 'તૌક-તેને કારણે રણ વિસ્તારમાં ભારે પવન સાથે વરસાદ વરસતાં અગરિયાઓએ પકવેલા મીઠાને ભારે નુકસાન થયું છે. રણમાં કાળી મજૂરી કરી પકવેલા મીઠાને નુકસાન થતાં અગરિયાઓએ રાતા પાણીએ રોવાનો વારો આવ્યો છે.
દેશના કુલ ઉત્પાદનનું ૭૦થી ૭૫% મીઠું ગુજરાતમાં ઉત્પન્ન થાય છે, જેમાંનું ૩૫ % મીઠું સુરેન્દ્રનગર જિલ્લાના ખારાઘોડા અને ઝીંઝુવાડા રણ સહિત ધ્રાંગધ્રાના કૂડા રણમાં પાકે છે અને અંદાજે ૫૦૦૦ અગરિયા પરિવારો મીઠું પકવવાના ઉત્પાદન સાથે સંકળાયેલા છે. ખારાઘોડા અને ઝીંઝુવાડા રણમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૦ લાખ મેટ્રિક ટન મીઠું તો રણમાંથી ખેંચીને ખારાઘોડા ગંજે આવી પણ ગયું છે. જ્યારે હજી પણ રણમાં અંદાજે ૩થી ૩.૫ લાખ મેટ્રિક ટન મીઠું રણમાં છે. એવામાં 'તૌક-તે' વાવાઝોડાના પગલે ઝીંઝુવાડા રણમાં, ધ્રાંગધ્રાના કૂડા રણમાં અને ખારાઘોડા રણમાં મુશળધાર વરસાદ ખાબકતાં રણમાં જવાનો રસ્તો ઠપ્પ બન્યો છે. જેમાં ઝીંઝુવાડા રણમાં ૧૦૦થી વધુ મીઠાના પાટામાં વરસાદી પાણી ફરતાં અગરિયા પરિવારોની રાત-દિવસની અથાગ મહેનત પર પાણી ફરી વળ્યું હતું, જેમાં અગરિયાઓને લાખો રૂપિયાનું નુકસાન થતાં તેઓ પાયમાલ બન્યા હતા.
આ અગરિયાઓ દર વર્ષે ઓકટોબર માસમાં રણમાં વર્ષના આઠ મહિના કંતાનનું ઝૂંપડું બાંધી ધોમધખતા આકરા તાપમાં અને ગાત્રો થિજાવતી ઠંડીમાં રાત-દિવસ "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવવાનું આકરું કામ કરે છે. અગરિયાઓ દ્વારા વેરાન રણમાં પકવવામાં આવેલું મીઠું તૈયાર થયા બાદ ૧ એપ્રિલથી ૧૦ જૂન સુધી મીઠાના વેપારીઓ દ્વારા જેસીબી અને ડમ્પર સહિતનાં સાધનો વડે રણમાંથી મીઠું ખેંચી ખારાઘોડા કે ઝીંઝુવાડા લાવી મીઠાના લાઇનબંધ ગંજા બનાવવામાં આવે છે. પછી વેપારીઓ દ્વારા આખું વર્ષ મીઠું દેશના ખૂણેખૂણાનાં રાજ્યોમાં રેલવે દ્વારા કે ટ્રકો દ્વારા મીઠાની નિકાસ કરવામાં આવે છે. દેશના લોકોના ભોજનને મીઠા દ્વારા સ્વાદિષ્ટ બનાવતા અગરિયાઓના જીવનમાં હવે ખારાશ આવી ગઇ છે.


comments powered by Disqus