રાજકોટઃ સૌરાષ્ટ્રમાં અસહ્ય ઉકળાટ બાદ અચાનક વાતાવરણમાં પલ્ટો આવતા કરા અને તોફાની પવન સાથે છુટાછવાયા સ્થળોએ ઝાપટાથી લઈ દોઢ ઈંચ સુધીનો વરસાદ પડયો હતો. વરસાદના કારણે ઉનાળુ પાકને નુકશાન થતા ખેડુતોને પડયા ઉપર પાટુ લાગ્યું છે. કુકાવાવમાં ધોધમાર દોઢ ઈંચ વરસાદથી ગામમાં પાણી ભરાયા હતા જામકંડોરણા અને લોધીકામાં ૧૫ મીનીટમાં જ અડધો ઈંચ વરસાદ ખાબકી જતા ખેતરો પાણીથી ભરાઈ ગયા હતા ખેતરોમાં તલના ઓઘા પલળી ગયા હતા. કાલાવડ, ગોંડલ, વડીયા, શાપર વેરાવળ, કોટડાસાંગાણી સહિતના આસપાસના ગામોમાં વરસાદ પડયો હતો. જયારે સરધારમાં કરા સાથે વરસાદ પડતા રસ્તા ઉપર સફેદ ચાદર બની ગઈ હતી. ગોંડલ શહેર પંથકમાં આંબરડી, કોલીથડ, હડમતાલા, બેટાવડ સહિતના ગામોમાં હળવા ભારે વરસાદી ઝાપટા વરસ્યા હતા.