ગાંધીનગરઃ દર વર્ષે ૨૨મેના ગાંધીનગરના કોબા ખાતે આવેલ વિશ્વ પ્રસિદ્ધ જિનાલય ખાતે ભગવાન મહાવીર સ્વામીના ભાલે સૂર્ય તિલકનો અદભૂત નજારો જોવા દેશભરમાંથી લોકો આવતા હોય છે. પરંતુ પ્રવર્તમાન સ્થિતિને પગલે દરેકને આ વખતે યૂ ટ્યૂબ ચેનલ મારફતે જીવંત પ્રસારણથી દર્શન કર્યા હતા. ગચ્છાધિરાજ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે ૨૨ મેના બપોરે ૨.૦૭ મિનિટે મહાવીરલય જિનપ્રસાદના શિખરમાંથી સૂર્યકિરણ તીર્થના મૂળ નાયક મહાવીર સ્વામી ભગવાનના લલાટ પર દેદીપ્યમાન થયું હતું.
આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયા બાદ તેઓને ૨૨ મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે અગ્નિસંસ્કાર અપાયા હતા. ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ પ્રાકૃતિક આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. આ કોઈ ચમત્કાર નથી પરંતુ આ ઘટના થાય છે તેનું કારણ સૂર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર એવી રીતે દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે ૨૨મી મેના રોજ બપોરે ૨.૦૭ મિનિટે સૂર્યનું કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલતિલક પર પ્રકાશી ઉઠે છે.

