હારિજ: ચાણસ્મા-હારીજ હાઇવે પર પસાર થતી નર્મદા મુખ્ય કેનાલ જાણે લોકોને મરવા માટે હોય એમ અવારનવાર મોતની છલાંગ લગાવવાના કિસ્સા સામે આવતા હોય છે. તા. ૧૯ની બપોરના સુમારે ઘરેથી જાનમાં ગયેલી યુવતી એકાએક ચાણસ્મા-હારીજ હાઇવે પર આવેલી રામગઢ અને કમ્બોઈ વચ્ચે નર્મદા મુખ્ય કેનાલમાં પોતાના મોબાઈલમાં પોતાના મૃત્યુ પાછળનું કારણ દર્શાવતો વીડિયો બનાવી પોતાની મોટી બહેનને સેન્ડ કરી મોતની છલાંગ લગાવી હતી. યુવતીના પિતાજીએ ચાણસ્મા પોલીસ મથકે યુવતી રાત્રે ઘરે પાછી નહીં આવવાની જાણવાજોગ અરજી ગુરુવારે રાત્રે આપી છે.
યુવતીએ પ્રેમી સાથે આક્ષેપ કરતાં વીડિયોમાં કહ્યું કે, હું આ કેનાલમાં પડીને મરું છું.. મારું મરવાનું એક જ કારણ છે વિષ્ણું. ભાભર તેનું ગામ. તેણે મારી જિંદગી બગાડી નાખી મને લગ્નના વાયદાઓ કર્યા પછી બીજી છોકરી સાથે પ્રેમ સંબંધ બાંધી મારા સાસરિયામાં બધે મને બદનામ કરી ક્યાંયની રાખી નહીં તેનાં કારણ હવે મને મરવા સિવાય બીજો કોઇ આરો નથી. તે હાલ મોરબીમાં રહે છે. તે જે છોકરીને બોલાવે છે એના કારણે મારી જિંદગી બગાડી નાખી છે. માટે તેને સજા આપજો. હું હવે રહેવાની નથી. આટલું બોલી યુવતીએ કેનાલમાં ઝંપલાવી દીધું હતું અને બીજા દિવસે સ્થાનિક તરવૈયાઓએ યુવતીની લાશ શોધીને પોસ્ટમોટર્મ માટે હોસ્પિટલમાં મોકલી આપી હતી.