ગુજરાતના ૨૬ જિલ્લાઓમાં મ્યુકર માઇકોસિસના ૨૩૮૧ કેસ

Wednesday 26th May 2021 06:34 EDT
 
 

ગાંધીનગરઃ ગુજરાતમાં કોવિડ બાદ હવે મ્યુકર માઇકોસિસના કેસ વધી રહ્યો છે. રાજ્ય સરકાર ભલે દાવો કરી રહી હોય કે મ્યુકરમાઇકોસિસના કેસો ઘટી રહ્યા છે પરંતુ રાજ્યના ૩૩ પૈકી ૨૬ જિલ્લાઓમાં આ કાળી ફૂગના કેસો નોંધાઇ રહ્યા છે. હાલ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૩૮૧ કેસ અને ૮૧ મોત નોંધાયા છે. ગુજરાતમાં સૌથી વધુ અમદાવાદમાં ૩૫ અને સુરતમાં ૨૧ દર્દીઓના મોત મ્યુકર માઇકોસિસના કારણે થયા છે. આ બન્ને જિલ્લાઓમાં રોજના સરેરાશ બે દર્દીઓ આ રોગના કારણે મૃત્યું પામી રહ્યા છે.
અમદાવાદ સિવિલમાં હવે મ્યુકર માઇકોસિસના કેસ ૬૦૦એ પહોંચ્યા છે અને તેમની સર્જરી માટે અલગ પાંચ વોર્ડ ફાળવવામાં આવ્યા છે. અમદાવાદ સિવિલમાં અત્યાર સુધીમાં ૨૧૦ દર્દીઓની સર્જરી કરવામાં આવી છે અને હાલ રોજની ૨૫થી ૩૦ સર્જરી થઇ રહી છે. સિવિલના ડેન્ટલ વિભાગમાં એક જ ઓપરેશન થિયેટર છે અને જ્યારે દર્દીઓના દાંત, દાઢ અને જડબું કાઢવાનું હોય કે તેની સર્જરી કરવાની હોય તો સર્જરીમાં ત્રણ-ચાર કલાક લાગી જાય છે. તેથી અત્યારે ડેન્ટલ વિભાગના તબીબો પેરાપ્લેજીયા અને કિડની સહિતના અન્ય વિભાગોના ઓપરેશન થિયેટરમાં જઇ સર્જરી કરી રહ્યા છે. બીજી તરફ સારવારમાં વપરાતા જરૂરી ઇન્જેક્શનોની પણ અત્યારે તીવ્ર અછત છે. અમદાવાદ, સુરત અને રાજકોટમાં સર્જરી કરવી પડે તેવાં દર્દીઓની સંખ્યામાં જંગી વધારો થયો હોવાથી અહીં સર્જરી માટે પણ વેઇટિંગ ચાલી રહ્યું છે. તેથી જે દર્દીઓને સર્જરીની તાત્કાલિક જરૂરિયાત હોય તેને પ્રાથમિકતા અપાય છે.


comments powered by Disqus