વડોદરા: શહેરથી ૫૪ કિ.મી. દૂર નર્મદા કાંઠે આવેલું ચાણોદ ગામ મરણોત્તર ક્રિયા અને નારાયણબલી માટે દેશભરમાં પ્રસિધ્ધ છે. કોરોનાની બીજી લહેર દરમિયાન ચાણોદના પંડિતઓએ ઇતિહાસમાં ક્યારેય ના જોયા હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. છેલ્લા બે મહિનાથી અહીં રોજના સરેરાશ ૪૦૦ થી ૫૦૦ 'અસ્થિ કુંભ' નર્મદા નદીમાં વિર્સજન માટે આવી રહ્યા છે.
ચાણોદના પંડિતો અને શાસ્ત્રીઓનું કહેવુ છે કે 'ભૂતકાળમાં અસ્થિ વિર્સજન માટે આટલા મોટા પાયે ધસારો ક્યારેય જોવા નથી મળ્યો. સામાન્ય રીતે ( કોવિડ-૧૯ના આગમન પહેલા) ચાણોદમાં રોજના ૧૦૦ થી ૧૫૦ અસ્થિઓ વિસર્જન માટે આવતા હતા. પરંતુ આ વર્ષે તા.૧૫ માર્ચ પછી અસ્થિ વિર્સજન માટે ભારે ધસારો જોવા મળી રહ્યો છે. રોજના ૪૦૦ થી ૫૦૦ અસ્થિ કુંભ વિર્સજન માટે આવી રહ્યા છે. ૧૫ માર્ચથી ૧૮મી મે દરમિયાન ચાણોદમાં ઓછામાં ઓછા ૩૨,૦૦૦થી વધુ અસ્થિઓના વિર્સજન થયા છે.
ચાણોદમાં મોટાભાગના અસ્થિઓ વડોદરા, અમદાવાદ, ખેડા, આણંદ, નડિયાદ, પંચમહાલ, સુરત, ભરૂચ, અંકલેશ્વરમાંથી આવી રહ્યા છે. કેટલાક અસ્થિઓ મધ્ય પ્રદેશમાંથી પણ આવે છે. નાના એવા ચાણોદ ગામમાં બહારગામથી રોજની ૬૦૦થી ૭૦૦ ગાડીઓ આવતી હોવાથી શરૂઆતના દિવસોમાં ભારે મુશ્કેલી થઇ હતી જો કે પછી બે મોટા પાર્કિંગ અને ચાર નાના પાર્કિંગની વ્યવસ્થા કરી દેવામાં આવતા હવે ગામના લોકોને અને આવનાર લોકોને સમસ્યા થતી નથી.