નવીદિલ્હી: કોરોના વેક્સિન લઈ ચૂકેલા લોકોને અનેક દેશો પોતાને ત્યાં આવવા અને હવાઈ મુસાફરી કરવા સહિતની છૂટ આપી રહ્યા છે પણ ભારત બાયોટેકની વેક્સિન કોવેક્સિન લઈ ચૂકેલા લોકોને હાલ આ છૂટ નહીં મળે. કારણ કે આ વેક્સિન વિશ્વ સ્વાસ્થ્ય સંગઠનની યાદીમાં સામેલ નથી.
ખરેખર તો દુનિયાના તમામ દેશ WHOની ઈમરજન્સી યુઝ લિસ્ટિંગ(ઈયુએલ) તરફથી મંજૂર કરાયેલી વેક્સિનને માન્ય ગણાવી રહ્યા છે. તે પોતાને ત્યાં વેક્સિન લીધાનું પ્રમાણપત્ર બતાવી આંતરરાષ્ટ્રીય મુસાફરી કરવાની છૂટ આપી રહ્યા છે. ઈયુએલમાં સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાની કોવિશીલ્ડ, મોડર્ના, એસ્ટ્રાજેનેકા, ફાઈઝર, જોનસન એન્ડ જોનસન અને સિનોફાર્મ/બીબીઆઈપીની જ વેક્સિન સામેલ છે. તેમાં ભારત બાયોટેકની કોવેક્સિનનું નામ સામેલ નથી. ડબ્લ્યુએચઓના તાજેતરના દિશા-નિર્દેશો અનુસાર ઈયુએલમાં સામેલ થવા માટે ભારત બાયોટેકે અરજી કરી છે પણ ડબ્લ્યુએચઓએ તેના વિશે કંપની પાસેથી વધુ માહિતી માગી છે. વડાપ્રધાન મોદી સહિત અનેક પ્રધાનોએ કોવેક્સિન લીધી છે. દેશભરમાં અત્યાર સુધી કોવેક્સિનના ૨ કરોડ ડૉઝ લાગી ચૂક્યા છે. મહત્ત્વપૂર્ણ એ છે કે દિલ્હીના તમામ કેન્દ્રીય મંત્રાલયોના અધિકારીઓને પણ કોવેક્સિન જ અપાઇ છે. એટલા માટે આવનારા દિવસોમાં ખાનગી ઉપરાંત સરકારી વિદેશ પ્રવાસ પર અસર થઇ શકે છે.