ગાંધીનગર: ગુજરાતમાં તૌકતે વાવાઝોડાએ મોટાપાયે ખાનાખરાબી સર્જી છે, જેના જંગી નુકસાનનો કાચો અંદાજ ત્રણ હજાર કરોડનો મુકાયો છે. આ મોટા નુકસાન અંગે રાજ્ય સરકાર તરફથી વડા પ્રધાન મોદીને પણ વાકેફ કર્યા હતા. રાજ્યમાં કુલ ૫૩ વ્યક્તિઓનો આ વાવાઝોડાએ ભોગ લીધો છે જેમના માટે રાજ્ય અને કેન્દ્ર તરફથી કુલ રૂ.૬ લાખનું વળતર ચૂકવાશે જેની પાછળ રૂ.૩.૧૮ કરોડનો ખર્ચ થશે. સૌથી વધુ ૧૬ વ્યક્તિઓનાં મૃત્યું અમરેલી જિલ્લામાં થયા છે, જ્યારે ગીર સોમનાથ, ભાવનગર અને અમદાવાદ જિલ્લામાં અનુક્રમે ૯, ૮ અને ૭ વ્યક્તિઓએ જાન ગુમાવ્યા છે.
વાવાઝોડામાં કુલ ૩૦ પુરુષો અને ૨૩ મહિલાઓના જીવ ગયા છે. સૌથી મોટું રૂ.૧,૫૦૦ કરોડનું નુકસાન વીજળી ક્ષેત્રે ગણાવાયું છે. પીજીવીસીએલ હેઠળનું સાવરકુંડલા નજીક ઘોડકવા ગામે આવેલું ૨૨૦ કેવીનું સબસ્ટેશન ઠપ હાલતમાં છે અને તેના ૧૫ જેટલા ટાવર ધ્વસ્ત થઈ ગયાં છે, વીજળીક્ષેત્રે આ સૌથી મોટી તબાહી છે. તદુપરાંત ૬૬ કેવીનાં ઠપ થયેલા કુલ ૧૬૧ સબસ્ટેશનો પૈકી હજી ૬૧ ચાલુ કરી શકાયા નથી. વીજળી ક્ષેત્રે ૩ હજારથી વધુ ફીડરલાઇનો, ૯ હજાર કિલોમીટર લાંબી એચટી લાઈનો, ૬,૨૦૦ જેટલા ટ્રાન્સફોર્મર તેમજ ૭૦ હજાર જેટલાં વીજથાંભલા નવા લગાવવાની નોબત આવી છે. ખેતીવાડી ક્ષેત્રે આશરે રૂ.૧,૨૦૦ કરોડનું નુકસાન ગણાવાયું છે, જેમાં ૪ જિલ્લા ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર અને જૂનાગઢના તમામ તાલુકાઓમાં બાજરી, મગ, અડદ, તલ જેવો તમામ ઉનાળું પાક તેમજ નાળિયેરી, કેરી, કેળા વગેરેનો બાગાયતી પાક નષ્ટ થઈ ગયો છે. જ્યારે માર્ગ-મકાન વિભાગે હજી સરકારી ઈમારતોને થયેલા નુકસાનનો અંદાજ કાઢયો નથી, પણ ૧,૨૦૦ જેટલા માર્ગ ક્લિયર કરવા માટે રૂ.૫૦ કરોડના ખર્ચનો અંદાજ
મૂક્યો છે.