અમદાવાદઃ એપ્રિલ ૨૦૧૯થી માર્ચ ૨૦૨૦ દરમિયાન અમદાવાદ એરપોર્ટ ખાતે ૧.૧૪ કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. આમ, કોરોના મહામારીને પગલે ૨૦૧૯-૨૦ કરતાં ૨૦૨૦-૨૧ દરમિયાન મુસાફરોના પ્રમાણમાં ૬૮.૧૦ ટકાનો નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. મુસાફરોની અવર-જવર મામલે દેશના સૌથી વ્યસ્ત એરપોર્ટમાં અમદાવાદે સતત ત્રીજા વર્ષે સાતમું સ્થાન જાળવી રાખ્યું છે. અગાઉ ૨૦૧૮-૧૯માં ૧.૧૧ કરોડ મુસાફરોની અવર-જવર નોંધાઇ હતી. ૨૦૨૦-૨૧ દરમિયાન સૌથી વધુ મુસાફરોની અવર-જવર નોંધાઇ હોય તેવા એરપોર્ટમાં દિલ્હી એરપોર્ટ ૨.૨૫ કરોડ સાથે મોખરે છે. ૨૦૧૯-૨૦ કરતાં દિલ્હીમાં મુસાફરોની અવર-જવરમાં ૬૬ ટકાનો ઘટાડો નોંધાયો છે.
ડોમેસ્ટિક ફ્લાઇટ ઇન્ટરનેશનલ ટર્મિનલથી ઓપરેટ કરાશે
સરદાર વલ્લભભાઇ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટથી મુસાફરી કરવાનું આયોજન કરી રહ્યા હોવ તો કયા ટર્મિનલથી ફ્લાઇટ ઉપડવાની છે તે ખાસ ચકાસી લેવું પડશે. કેમકે, ટૂંક સમયમાં અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ રીનોવેશનની કામગીરી શરૂ થવાની છે. જેના પગલે ડોમેસ્ટિક ટર્મિનલની તમામ ફ્લાઇટ ઇન્ટરનેશનલ ટર્મિનલ (ટર્મિનલ-૨)માં લઇ જવાશે.
ડોમેસ્ટિક ટર્મિનલમાં રીનોવેશનની આ કામગીરી ક્યારે શરૂ કરવી તેને લઇને હાલમાં અદાણી એરપોર્ટ મેનેજમેન્ટ અને એરલાઇન્સ વચ્ચે વાટાઘાટો જારી છે.
