ભરૂચઃ સમગ્ર રાજયને હચમચાવી નાખનાર તૌક-તે વાવાઝોડાએ જિલ્લામાં તબાહી મચાવતા ભરૂચ જિલ્લાના ખેડૂતોને ભારે નુકસાની વેઠવી પડી છે. ભરૂચ શહેરની પૂર્વ પટ્ટીના મંગલેશ્વર,અંગારેશ્વર અને નિકોરા ગામની ફૂલની ખેતીમાં ભારે નુકસાન થવા પામ્યું છે. વાવાઝોડાએ ફૂલની ખેતીમાં ૪૦થી ૫૦ ટકા બગાડ થતા ધરતીપુત્રોને ફુલની ખેતીમાં નુકસાન થવાથી ચિંતાનો માહોલ છવાયો છે.
વાવાઝોડા સાથે વરસેલા કમોસમી વરસાદથી ભરૂચની પૂર્વ પટ્ટી પર આવેલા મંગલેશ્વર,અંગારેશ્વર અને નિકોરા સહિતના ગામમાં ફૂલની ખેતી કરતા ધરતીપુત્રોની મહેનત પર પાણી ફરી વળતાં ફુલની ખેતીમાં નુકસાન થયું છે. આ વિસ્તારના ખેડૂતોએ જણાવ્યું હતું કે, ફુલની ખેતીમાં સરેરાશ એક એકર દીઠ રૂ.૩૫થી ૪૦ હજારનું નુકશાન થયું છે. તો અંકલેશ્વરના દીવા રોડ પર ચંદનની ખેતીમાં જ સવા કરોડનું નુકસાન અને રૂ.૫.૫૦ કરોડનો કેરીના પાકમાં દાટ વળ્યો છે.
ખેતરમાં રહેલા પરવળ, ગલકા, ટીંડોડા, દૂધીના માંડવા પણ જમીન દોસ્ત થયા છે. અંકલેશ્વર હાંસોટ પંથકમાં વેલાના માંડવાની ખેતી વિપુલ થઇ છે. જેમાં ઉભા પરવટ, ગલકા, ટીંડોરા, દૂધીના માંડવા જમીન દોષ થયા છે. જેને લઇ શાકભાજીની અન્ય ખેતીમાં નુકશાન પહોંચ્યું છે. ઉપરાંત ઉનાળુ ડાંગરને પણ નુકસાન થયું છે.
હાંસોટમાં સાત હજાર હેક્ટરમાં અને અંકલેશ્વરમાં ૧૫હજાર હેક્ટરમાં ડોર ટુ ડોર સર્વે ચાલુ છે. અંકલેશ્વરમાં દીવા રોડ ઉપરાંત તાલુકામાં અંદાજે રૂ.૫ કરોડ ઉપરાંતનું નુકશાન માત્ર આંબાવાડીઓમાં જોવા મળ્યું છે.

