અમદાવાદઃ તૌકતે વાવાઝોડા પછી ગીરના જંગલોના સિંહોની સલામતી અંગે જાતજાતની ચર્ચા ચાલતાં રાજ્ય સરકારે ગીરના એશિયાટિક લાયન્સ આ વાવાઝોડામાં પણ સલામત રહ્યા હોવાની લોકોને હૈયાધારણ આપી હતી. જેના ભાગરૂપે એડિશનલ ચીફ સેક્રેટરી ડો. રાજીવકુમાર ગુપ્તાએ ટ્વિટર પર સિંહોનો એક વીડિયો શેર કર્યો હતો. જેમાં તેઓએ લખ્યું હતું કે, ‘વનખાતાના તેમના ફિલ્ડના કર્મચારીએ સિંહોની અવરજવર પર દેખરેખ રાખી હતી. ગીર વેસ્ટની આકોલાવાડી રેન્જમાં પાણીના ઝરણામાંથી આ સિંહો સલામત રીતે પસાર થયા હતા. એ વીડિયો હું શેર કરું છું.’ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે તેમના આ વીડિયોને રીટ્વિટ કર્યો હતો.
કેટલાક લોકોએ આવો જ એક વીડિયો દક્ષીણ આફ્રિકાના માલામાલા ગેમ રિઝર્વના ઈન્સ્ટાગ્રામ પેજ પર પણ હોવાનું જણાવ્યું હતું. નિષ્ણાતો વારંવાર આફ્રિકન લાયન્સ અને ગીરના લાયન્સમાં સરખાપણુ હોવા વિષે જણાવી ચૂક્યા છે.