ગાંધીનગર: વિધર્મી દ્વારા હિન્દુ યુવતીને લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવવાની પ્રવૃત્તિ રોકવા માટે વિધાનસભામાં પસાર કરેલા લવ જેહાદ (ગુજરાત ધર્મ સ્વાતંત્ર્ય અધિનિયમ) બિલને રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે મંજૂરી આપી છે. હવે ગુજરાત સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડીને તેનો અમલ શરૂ કરવામાં આવશે. ગુજરાત સરકારે આ કાયદામાં ૫ વર્ષ સુધીની સજા અને રૂ.૨ લાખ સુધીના દંડની જ્યારે સગીર સાથેના ગુનામાં ૭ વર્ષ સુધીની સજા અને રૂ.૩ લાખ દંડની જોગવાઈ કરી છે. આ ઉપરાંત અનુસૂચિત જાતિ, જનજાતિની સ્ત્રી સાથેના ગુનામાં ૭ વર્ષની જોગવાઈ કરાઇ છે. ગૃહપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ કહ્યું કે, લવ જેહાદ ઉપરાંત ક્લિનિકલ એસ્ટાબ્લિશમેન્ટ (રજિસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) વિધેયકને પણ મંજૂરી અપાઇ છે.
