પાલનપુરઃ હાલમાં કોરોના મહામારી સમયે ઓક્સિજનના અભાવને કારણે કોરોના દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે. ઓક્સિજનની કિંમત સમજાતા હવે લોકોમાં વૃક્ષોના જતન માટે જાગૃતતા આવી છે. ત્યારે પાલનપુરના એક શિક્ષકે વૃક્ષારોપણની પ્રવૃત્તિને વેગ મળે અને લોકો સરળતાપૂર્વક વૃક્ષારોપણ કરે તે માટે થઈ પાલનપુરમાં બીજ બેંક શરૂ કરી છે.
કોરોનાકાળમાં લોકોએ વૃક્ષોની સાચી કિંમત સમજાઈ છે. પહેલા જે લોકો વૃક્ષારોપણની પ્રવૃત્તિથી દુર રહેતા હતા પરંતુ હવે વૃક્ષોના જતન માટે રસ દાખવી રહ્યા છે. આવા જ એક પર્યાવરણપ્રેમી શિક્ષક કે જેઓ વૃક્ષારોપણ પ્રવૃત્તિને વેગ આપવા સ્વખર્ચે બીજ બેંક શરૂ કરી લોકોને નિઃશુલ્ક બીજ આપી રહ્યા છે. અત્યાર સુધી આ યુવાન શિક્ષકે લાખો બીજ નિઃશુલ્ક ધોરણે લોકોમાં વહેંચ્યા છે. મૂળ વલસાડના અને પાલનપુરમાં શિક્ષક તરિકે નોકરી કરતા નિરલ પટેલે લોકડાઉનમાં ફાજલ સમયનો સદઉપયોગ કરી પોતાનો સમય પ્રકૃતિના જતન માટે ફાળવ્યો. લોકડાઉનમાં નવરા બેસવાના બદલે તેઓએ જાત જાતના વૃક્ષોના બીજ એકઠા કરી બીજ બેંક શરૂ કરી. તેમણે પોતાની આસપાસ તો બીજ વહેંચ્યા જ પરંતુ દુર રહેતા કોઈ વૃક્ષપ્રેમી બીજ મંગાવે તો કુરિયર મારફત નિઃશુલ્ક બીજ મોકલી આપે. તેઓ બનાસકાંઠાના જંગલમાં ફરી વિવિધ બીજ એકત્ર કરે છે. તેઓ સોશિયલ મીડીયાના માધ્યમથી વૃક્ષરોપણ પ્રવૃત્તિ અંગે લોકોને જાગૃત કરે છે. તેઓ પાસેથી ફક્ત ગુજરાત જ નહીં પરંતુ મહારાષ્ટ્ર, રાજસ્થાન અને છેક દિલ્હીથી પણ લોકો વૃક્ષારોપણ માટે બીજ મંગાવે છે. વૃક્ષપ્રેમી નિરલ પટેલે જણાવ્યું હતું કે, જંગલમાથી અત્યારસુધી તેમણે ૩૫૦થી વધુ વનસ્પતિના બીજ એતત્ર કર્યા છે. જેમાં અલગ અલગ જાતના વૃક્ષ, વેલ અને ઔષધિય વનસ્પતિનો સમાવેશ થાય છે.