ગાંધીનગરઃ વડા પ્રધાન મોદીએ અમદાવાદ એરપોર્ટ ઉપર આવી ‘ગુજસેલ’ના બિલ્ડિંગમાં રાહત અને પુનર્વસનના પગલાં અંગે સમીક્ષા બેઠક યોજી હતી, જેમાં એમણે ગુજરાત સરકારને તાત્કાલિક રાહત પ્રવૃત્તિઓ હાથ ધરવા માટે રૂ. ૧ હજાર કરોડની સહાય આપવાની જાહેરાત કરી હતી. સાથોસાથ, રાજ્યમાં થયેલા નુકસાનના સર્વે માટે વિવિધ કેન્દ્રીય મંત્રાલયોના અધિકારીઓની ટીમ મોકલવાની પણ તેમણે ખાતરી આપી હતી.
વડા પ્રધાન મોદીએ ગુજરાત સહિત કેરળ, કર્ણાટક, ગોવા, મહારાષ્ટ્ર, રાજસ્થાન રાજ્યો તેમજ દીવ-દમણ અને દાદરાનગર હવેલીના કેન્દ્રશાસિત પ્રદેશોમાં ચક્રવાતથી મૃત્યું પામેલા લોકોના વારસદારને રૂ. ૨ લાખ તથા ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજાર વળતર-સહાય આપવાની પણ જાહેરાત કરી હતી. એમણે આ તબક્કે એમ પણ કહ્યું હતું કે, ચક્રવાતથી અસર પામેલા તમામ રાજ્યોને કેન્દ્ર સરકાર તાત્કાલિક નાણાકીય સહાય આપશે, જે માટે રાજ્ય સરકારોએ નુકસાનની વિગતો રજૂ કરવી પડશે, જેના આધારે સહાયનો નિર્ણય લેવાશે.