ભુજઃ કચ્છના ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો ચીનના ફુઝો શહેરમાં મળશે. વર્લ્ડ હેરિટેજ કમિટીનું ૪૪મું સત્ર ફુઝો (ચાઇના)ના અધ્યક્ષસ્થાને યોજાશે. ઓનલાઇન યોજાનારા આ સત્રમાં હાલનાં કામ અને ગત વર્ષથી બાકી રહેલા મુદ્દાઓને જોડીને ૧૬થી ૩૧ જુલાઇ સુધી કામગીરી કરાશે, જેમાં ધોળાવીરાની સાથે ભારતના તેલંગણાના રામપ્પા મંદિરનો ફેંસલો પણ થશે. બધું અપેક્ષા પ્રમાણે રહ્યું તો આ જ સત્રમાં ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટનો દરજ્જો આપી દેવામાં આવશે.
યુનેસ્કો વર્લ્ડ હેરિટેજ સેન્ટર દ્વારા આ સત્રની કામગીરીની વિગત આપવામાં આવી છે. ૧૬ જુલાઇએ યુનેસ્કોના ડિરેક્ટર જનરલ ઓનડ્રેય અજોલે સત્રના ઉદ્ઘાટનમાં ભાગ લેશે. એ દરમિયાન વર્લ્ડ હેરિટેજ સાઇટની ચર્ચા કરવામાં આવશે તથા જે સ્થળ નષ્ટ થવાની કગાર પર અથવા જેના પર જોખમ છે એના પર ચર્ચા કરવામાં આવશે.