ગાંધીનગરઃ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યું છે કે ભારતમાં અત્યાર સુધીમાં ડેલ્ટા પ્લસ વેરિઅન્ટના ૪૮ કેસ મળી આવ્યા છે. જેમાં ગુજરાતમાંથી પણ બે કેસ મળ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. બેમાંથી એક સુરતનો કેસ એપ્રિલ મહિનામાં મળ્યો હતો. આથી, કોરોનાની સેકન્ડ વેવની શરૂઆતથી જ ગુજરાતમાં ડેલ્ટા પ્લસ વેરિયન્ટ એક્ટિવ હોવાનું સ્પષ્ટ થયુ છે. ગુજરાતમાં સેકન્ડ વેવ ઓસર્યા બાદ ૨૫ જૂને સુરત અને વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીઓના જિનોમ સિક્વન્સિંગ દરમિયાન ડેલ્ટા પ્લસ વેરિયન્ટ મળ્યાનુ જાહેર થયુ છે.
એપ્રિલ મહિનામાં સુરતના ૨૭ વર્ષના પુરૂષના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે પૂના ખાતે મોકલવામાં આવ્યા હતા. જેનું રિઝલ્ટ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનું જાણાવા મળ્યુ છે. આ યુવકની તબિયત સ્થિર છે અને હાલ તેમને કોઈ લક્ષણો નથી. બીજા કેસમાં વડોદરામાં રહેતા ૩૮ વર્ષની મહિલાનો સમાવેશ થાય છે. જેઓ પણ એપ્રિલ મહિનામાં તેમના વતન મહારાષ્ટ્રના જલગાંવમાં કોવિડ-૧૯ પોઝિટીવ આવ્યા હતા. ત્યાંથી તેમના સેમ્પલ જિનોમ સિક્વન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. તેના રિપોર્ટમાં પણ ડેલ્ટા પ્લસ વેરિયન્ટ હોવાનુ જાણવા મળ્યુ છે. આ મહિલા મે મહિનામાં મહારાષ્ટ્રથી ગુજરાત પરત આવ્યા છે અને તેમને કોઈ તકલીફ નથી કે લક્ષણ પણ નથી. ગુજરાતમાં હાલમાં ડેલ્ટા પ્લસનો એક પણ કેસ નથી. જે હતા તે દોઢ મહિના અગાઉના છે.