ગાંધીનગર: સમગ્ર દેશમાં કચ્છમાં સૌથી વધુ ખજૂર થાય છે. દાંતીવાડા કૃષિ યુનિ.ના વૈજ્ઞાનિકોએ કહ્યું છે કે કચ્છની ૧૮,૮૨૫ હેક્ટર જમીનમાં ખજૂરની ખેતી કરાય છે જે દેશમાં ખજૂરનું કુલ ઉત્પાદન પૈકી ૮૫ ટકા છે. દેશમાં માત્ર ખાડી દેશો અને પાકિસ્તાનથી ખજૂરને આયાત કરવામાં આવી રહી છે. લગભગ ૩ લાખ ટન સોફ્ટ ખજૂર અને ૧.૫ લાખ ટન સુકી ખજૂર પાકિસ્તાન અને ખાડી દેશોમાંથી આયાત કરાય છે.
કચ્છ જિલ્લાના અંજાર તાલુકાના ચાર ખેડૂતોએ ડિહાઈડ્રેશન પ્લાન્ટ નાંખ્યો છે. કચ્છમાં ૫૦૦ ખેડૂતોના બનેલા સંગઠન કચ્છ ખજૂર પામ ગ્રોઅર્સ એસોસિએસનના જણાવ્યા મુજબ ખજૂરમાં ગુણવત્તાના આધારે કિંમત નક્કી થતી હોય છે. ખજૂરને સુકી કરવા માટે અમે ડીહાઈડ્રેશન પ્લાન્ટ નાંખ્યો છે. આ પ્લાન્ટમાં પ્રતિદિન ૫ મેટ્રિક ટન ખજૂરનું ઉત્પાદન કરાશે. પાકિસ્તાનથી આયાત કરવામાં આવે છે તે ખજૂરનો ભાવ ૧૦૦થી ૧૩૦ રૂપિયે પ્રતિ કિલોગ્રામ હોય છે. પરંતુ બાલાકોટ હવાઈ હુમલા પછી સૂકી ખજૂરનો ભાવ ૨૫૦ રૂપિયા કરતાં વધુ થઈ ગયો છે.
