વડનગરઃ વડનગરમાં કરોડના ખર્ચે તૈયાર થયેલા અદ્યતન વોચ ટાવર નગરની શોભામાં વધારો કરી રહ્યો છે. તેની બાજુમાં બનેલી આર્ટ ઓફ ગેલરીમાં પણ નગરના ઇતિહાસની ઝાંખી કરાવતાં ચિત્રો અને ચાની કીટલી સાથે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું સ્ટેચ્યૂ પણ જોવા મળે છે.
વડા પ્રધાનના માદરે વતન વડનગરની મધ્યમાં નગરની શોભા વધારતો ઐતિહાસિક ટાવર વર્ષો અગાઉ ધરાશાયી થઈ ગયો હતો. આ ટાવર ફરી બનાવવા લોકોમાં માગ ઊઠતાં ટૂરિઝમ વિભાગ દ્વારા કામગીરી હાથ ધરાઇ હતી. કરોડોના ખર્ચે બનેલા આ ટાવર નગરની શોભા વધારી રહ્યો છે. એની સાથે એક માળની સેન્ટ્રલાઈઝ એસી સાથેની આર્ટ ગેલરી પણ બનાવવામાં આવી છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. આ આર્ટ ઓફ ગેલરીમાં નગરના પનોતા પુત્ર અને નરેન્દ્ર મોદીનું ચાની કીટલી સાથેનું સ્ટેચ્યૂ પણ ઊભું કરવામાં આવ્યું છે. ઉપરાંત હાટકેશ્વર મંદિર કીર્તિતોરણ, તાના-રીરી સહિતનાં સ્થાપત્યો તેમજ શહેરના તમામ છ દરવાજાના આબેહૂબ ચિત્રો અહીં જોવા મળશે. હવે આ આર્ટ ગેલરી ક્યારે ખૂલશે એને લઈ લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.