વરસાદી વિરામઃ રાજ્યના કેટલાક વિસ્તારોને બાદ કરતા સામાન્ય વરસાદ

Wednesday 30th June 2021 06:58 EDT
 
 

અમદાવાદઃ ૨૧ જૂનની સ્થિતિએ છેલ્લા સપ્તાહ દરમિયાન અમદાવાદ શહેર જિલ્લામાં દોઢ ઈંચથી વધારે વરસાદ નોંધાયો ના હતો. મેઘાડંબર વચ્ચે વરસાદે સતત હાથતાળી આપી હતી. લોકો કાગડોળે વરસાદની રાહમાં છે.
મધ્ય ગુજરાત- ગત ૨૫ જૂનના વડોદરા શહેરમાં અચાનક ભારે પવન અને કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ શરૂ થયો હતો. જેને પગલે વડોદરા શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતા. વડોદરા શહેરના રાવપુરા, માંડવી, રાજમહેલ રોડ, ન્યાયમંદિર, કારેલીબાગ, અને ફતેગંજ સહિતના વિસ્તારોમાં પાણી ભરાઇ ગયાં હતાં. સામાન્ય વરસાદમાં પણ વડોદરા શહેરના રસ્તાઓ પર પાણી ભરાઇ જાય છે આણંદ શહેર સહિત જિલ્લામાં ૨૫ જૂનના વાતાવરણ પલટો જોવા મળ્યો હતો. ખંભાત શહેર અને તાલુકામાં ૬ થી૮ ઈંચ સુધી ધોધમાર વરસાદ વરસ્યો હતો. જયારે તારાપુર અને ઉમરેઠ તાલુકામાં સામાન્ય વરસાદ થયો હતો. તો વળી આંકલાવ પંથકમાં એક ઇંચ વરસાદ ખાબકતા ખેડૂતો આનંદ વ્યાપી ગયો હતો. ખંભાતમાં વરસાદ ખાબકતાં ઠેર ઠેર પાણી ભરાયા હતા.
દક્ષિણ ગુજરાત- સુરત જિલ્લાના બારડોલી-મહુવામાં ૪, સુરત, પલસાણા અને ચોર્યાસીમાં ૩ ઈંચ વરસાદ ખાબક્યો હતો. બારડોલીમાં ધોધમાર વરસેલા વરસાદમાં આશાપુરા માતા મંદિર વિસ્તાર તેમજ ભરવાડ વસાહત વિસ્તારના માર્ગો પર પાણી ભરાયા હતા. જ્યારે સુરત શહેરમાં માનદરવાજા, સહારા દરવાજા સહિતના વિસ્તારમાં પાણી ભરાયા હતા.
સૌરાષ્ટ્ર- રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં મેઘાડંબર વચ્ચે ઝાંપટાથી અઢી ઈંચ સુધીનો વરસાદ પડ્યો હતો. જાફરાબાદ-લીલીયા-બગસરામાં પણ અડધો ઈંચ વરસાદ પડયો હતો. જૂનાગઢ જિલ્લામાં વંથલીમાં અઢી ઈંચ વરસાદથી રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા. ભેસાણ અને માણાવદરમાં અર્ધો ઈંચ વરસાદ વરસ્યો હતો. રાજકોટ શહેરમાં હળવું ઝાપટું વરસ્યું હતું. જસદણ, આટકોટ સહિતના ૧૨ ગામોમાં ધીમીધારે સવા ઈંચ વરસાદ પડયો હતો. વિંછીયામાં અડધો ઈંચ, ગોંડલમાં એક ઈંચ, જેતપુર તાલુકા અમરનગર ગામમાં દોઢ ઇંચ પડેલા વરસાદને કારણે ગામમાંથી પસાર થતી ફલકુ નદીમાં પુર આવ્યું હતું.
કચ્છ- કચ્છના રાપર તાલુકાના ગામોમાં એક થી દોઢ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો. જોકે, વાગડ વિસ્તાર સિવાય જિલ્લાનાં અન્ય ભાગોમાં વરસાદનું નામો નિશાન ના હતુ.


comments powered by Disqus