ભુજઃ જિલ્લાના પ્રસિદ્ધ એવા ધાર્મિક સ્થાનક ધરાવતા માતાના મઢ ખાતે આ પૂર્વે મળી આવેલા મંગળ ગ્રહ પર જોવા મળતા જેરોસાઈટ નામના ખનીજ મામલે નાસા અને ઇસરો સહિતની શોધ એજન્સીઓ દ્વારા અધૂરા રહેલા સંશોધન કાર્યની ફરી આવતા વર્ષના ફેબ્રુઆરી માસથી શરૂઆત થવાના હેવાલ સામે આવ્યા છે.
આ વિશે કચ્છ યુનિવર્સિટીના ભૂસ્તરશાસ્ત્રી ડો. મહેશ ઠક્કરે જણાવ્યું હતું કે સ્પેસ એજન્સી સ્પેસ કેમરા દ્વારા કરવામાં આવેલી ઝીણવટભરી તપાસ દરમ્યાન તેમાં ભારતના મહારાષ્ટ્ર, લદાખ અને કચ્છના દ્રશ્યો મંગળ ગ્રહની ભૃપૃષ્ટ જમીન સાથે મેળ ખાતા હોવાનું જણાયું હતું. જેના બાદ મંગળ ગ્રહ પર રોવરે લીધેલી ઇમેજ અને વૈજ્ઞાનિકોએ લીધેલા માતાના મઢ ખાતેના ઈમેજીનનું પરીક્ષણ સમાન આવતું હતું. તેથી આગામી શરૂ થનાર સંશોધન મંગળ ગ્રહ માટેના મિશન માટે અતિ મહત્વનું સાબિત થઈ શકે છે.