મુંદ્રા પોર્ટ હેરોઇન કેસના તાર આતંકવાદ સાથે હોવાની આશંકા

Tuesday 26th October 2021 10:04 EDT
 

અમદાવાદ: કચ્છના મુંદ્રા પોર્ટ પરથી ૨૧ હજાર કરોડ રૂપિયાની કિંમતનું ત્રણ હજાર કિલો હેરોઇન ઝડપાવના કેસમાં નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ ત્રણ આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી ધરપકડ કરી અમદાવાદની એન.આઇ.એ. કોર્ટમાં રજૂ કર્યા હતા. જેમાં કોર્ટે આરોપીઓના દસ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે, રિમાન્ડ માંગતા સમયે એજન્સી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે આ આરોીપઓ નાર્કો-આતંકવાદ સાથે સંકળાયેલો હોવાની આશંકા છે તેમજ આ કેસમાં વિદેશી ષડયંત્ર હોવાની પણ આશંકા છે.
નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કર્યા હતા. એજન્સી દ્વારા રજૂઆત કરાઇ હતી કે આ કેસમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ માફિયાની સંડોવણી છે. પોર્ટ પરથી પકડાયેલા બે કાર્ગો કન્ટેઇનરમાંથી આ ડ્રગ્સ ઝડપાયું છે. અફઘાનિસ્તાનમાં ઉત્પાદિત થતાં ટેલ્કમ અને અર્થ પ્રોસેસ્ડ ટેલ્કમ પાવડરના કન્ટેઇનરમાં હોવાનું કહી અફઘાનિસ્તાનની મેસર્સ હુસેન હસન લિમિટેડ દ્વારા આ કન્ટેઇનર ભારત મોકલવામાં આવ્યું હતું. જો કે આ પદાર્થ હેરોઇન હોવાનું ફોરેન્સિક તપાસમાં ખૂલ્યું છે. ભારત, પાકિસ્તાના અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયાઓની આ કેસમાં સંડોવણી છે.


comments powered by Disqus