અમદાવાદઃ આગામી ફેબ્રુઆરી ૨૦૨૨માં મોરબી જિલ્લાના વાવણિયા ગામે ૩૦,૦૦૦ સ્કેરફૂટમાં સંકટ મોચન હનુમાનના મંદિર સહિત નીમ કરૌલી બાબાનું મંદિરનું નિર્માણ થનાર છે. દરમિયાન સંકટ મોચન ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા ૨૪થી ૨૬ ઓક્ટોબર સુધી વાવણિયા ખાતે ત્રિદિવસીય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે
નીમ કરૌલી બાબા ગુજરાતમાં ૧૯૧૭ સુધી વાવણિયા ગામે રહ્યા હતા અને ત્યાં તેમણે તપ કર્યા હતા. ત્યાં તેમણે સ્થાપેલુ મંદિર ૧૦૦ વર્ષ જુનું થતાં તેમના ભક્તો દ્વારા મંદિરનો જીર્ણોદ્ધાર કરવાનું નક્કી કરાતા અંદાજિત રૂ.૬ થી ૭ કરોડના ખર્ચે સંકટ મોચન હનુમાનનું મંદિર સહિત નીમ કરૌલી બાબાનું મંદિર તેમજ યજ્ઞકુંડ અને આશ્રમનું ભવ્યતિભવ્ય નિર્માણ કરાશે. અંદાજિત ૭૦ ટકા જેટલું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે. આગામી ૨૦૨૨ના ફેબ્રુઆરી માસમાં મંદિર અને આશ્રમને ખુલ્લો મુકવામાં આવશે.
વાવણિયા ગામ દરિયાથી માત્ર ૪ કિલોમીટર દૂર હોવાથી મંદિરનું સંપૂર્ણ કાર્ય ધ્રાંગધ્રાના ગુલાબી પથ્થરથી કરવામાં આવ્યું છે. આ સંપૂર્ણ કામની જવાબદારી સોમપુરા ગ્રુપને સોંપવામાં આવી છે. નીમ કરૌલી બાબાના સમગ્ર દેશ સહિત વિશ્વમાં ૩૫ થી ૪૦ જેટલી આશ્રમશાળા છે અને તેમના અનુયાયીઓ દેશ અને વિદેશમાં લાખોની સંખ્યામાં પથરાયેલા છે.
નીમ કરૌલી બાબાના ભક્તોમાં એપલ ઇન્ડસ્ટ્રીઝ સ્થાપક સ્ટીવ જોબ્સ, ફેસબુકના સ્થાપક માર્ક ઝુકરબર્ગ, હોલિવુડ અભિનેત્રી જુલીયા રોબર્ટસ, શીતળાની રસી શોધનાર અમેરિકન રોગશાસ્ત્રી લેરી બ્રિલિયન્ટ, અમેરિકન ભજનગાયક કૃષ્ણદાસ અને અમેરિકન મનૌવૈજ્ઞાનિક રામદાસ છે.