રાજકોટથી ગોવા, મુંબઇ, દિલ્હીની ફ્લાઇટના ભાવ આસમાને પહોંચ્યા

Tuesday 26th October 2021 10:11 EDT
 

રાજકોટઃ દિવાળી પર્વ નજીક છે અને આ વર્ષે સદ્ભાગ્યે કોરોના મહામારી લોકોથી દૂર છે ત્યારે પર્વની ઉજવણીનો એક ઉત્સાહભર્યો માહોલ બની રહ્યો છે. પરંતુ તેમાં મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના ભાવ વિલન બનીને સામે આવી રહ્યા છે. દિવાળીએ બહારગામ જવા ઈચ્છુકોએ ખિસ્સાનો ભાર સાવ હળવો કરવાની તૈયારી રાખવી પડશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ વિમાની કંપનીઓ દિવાળીના ટ્રાફિકમાં રોકડી કરી લેવા તત્પર બની હોય તેમ હવાઈ યાત્રાના ભાવ આસમાનને આંબી રહ્યા છે.
રાજકોટથી ગોવાની શરૂ થયેલી ફ્લાઈટને શરૂઆતથી જ વ્યાપક ટ્રાફિક મળી રહ્યો છે. અને ફ્લાઈટને મોટાભાગે પૂરતા પેસેન્જર મળી રહ્યા છે. જન્માષ્ટમીના પર્વમાં ગોવાની ફ્લાઈટનું ભાડું ૧૨ હજારથી ૧૪ હજાર પહોંચ્યું હતું તે આ વખતે ફ્લાઈટ શરૂ થયા બાદ પ્રથમ દિવાળીમાં એક તરફથી સિંગલ ટિકિટનું ભાડું ૨૦ હજાર સુધી પહોંચી ગયું છે. રાજકોટથી દિલ્હી, મુંબઈની ફ્લાઈટમાંથી દિવાળીની તારીખ ૩ થી ૧૦ આસપાસ એક પણ સિંગલ ટિકિટ ૧૦ હજાર રૂપિયા કરતા ઓછી કિંમતે મળતી નથી.


comments powered by Disqus