રાજકોટ: શહેરમાં એમડી નામનું ડ્રગ્સ જામનગરથી સપ્લાય થતું હોવાનું સામે આવ્યું છે. ડ્રગ્સ સપ્લાય કરનાર જામનગરના શખ્સને ઝડપી લેવા પ્રયાસ ચાલે છે ત્યારે ડ્રગ્સના રવાડે ચડી ગયેલા ક્રિકેટર આકાશ મનોજભાઇ અંબાસાણા, તેની પૂર્વ પત્ની અમી સહિત ત્રણ વ્યક્તિઓ ડ્રગ્સ લેતા હોટલમાંથી ઝડપાયા હતાં.
અંડર- ૧૯ ક્રિકેટર રમેલો અને ડ્રગ્સના રવાડે ચડી ગયેલ આકાશ અંબાસણા નામનો ક્રિકેટર ચીઠી લખીને ઘરથી નિકળી ગયો હતો. આ અંગે તેની માતા અલ્કાબહેને પોલીસ સામે આક્ષેપ કરીને પુત્રને શોધી આપવાની માગણી કરી હતી. પોલીસે ગુમ થયેલા ક્રિકેટર આકાશ અંબાસણાની શોધ આદરી હતી. દરમિયાન આકાશ તેની પૂર્વ પત્ની અમી સાથે શિવશક્તિ હોટલમાં હોવાની બાતમી મળતા પોલીસે દરોડો પાડયો હતો. હોટલના રૂમમાંથી આકાશ, તેની પૂર્વ પત્ની અમી અને ઘાંચીવાડમાં રહેતો ઇરફાન પટણી મળી આવ્યા હતાં. રૂમમાં ગાદલા પરથી ત્રણ ઇન્જેક્શન મળી આવ્યા હતાં. જેમાં એક ખાલી, એક અડધુ ભરેલું અને એક આખુ ભરેલુ હતું. આ ઇન્જેક્શન અંગે પૂછપરછમાં તેમા એમડી ડ્રગ્સ હોવાનું જણાવાયું હતું. પોલીસે એ ત્રણેયની અટકાયત કરી હતી. ત્રણેયના બ્લડ સેમ્પલ લેવાયા હતાં અને ઇન્જેક્શન સહિતનો મુદ્દામાલ ફોરેન્સિક તપાસ માટે મોકલી અપાયો હતો.
ક્રિકેટર આકાશ અંબાસણા ૨૦૧૫ થી ડ્રગ્સના રવાડે ચડી ગયો હતો. તેને રાજકોટની આ એમડી ડ્રગ્સનો જથ્થો કયાંથી અને કેવી રીતે આવતો હતો તેની તપાસ કરતાં જામનગરનો શખ્સ તેના સાગરીતોને એમડી ડ્રગ્સનો જથ્થો પૂરો પાડતો હતો. જામનગરના શખ્સને ઝડપી લેવા માટે પોલીસે જાળ પાથરી છે. પોલીસે ક્રિકેટરના મિત્રોની શોધખોળ શરૂ કરી છે અને એમડી ડ્રગ્સનું નેટવર્ક તોડવા પ્રયાસ શરૂ કર્યા છે.