રાજકોટઃ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ઝવેરચંદ મેઘાણી લોકસાહિત્ય કેન્દ્ર દ્વારા શહેરના પ્રમુખસ્વામી ઓડિટોરિયમમાં મેઘાણી અને હેમુ ગઢવી એવોર્ડ અર્પણ કરવાનો કાર્યક્રમ મોરારિબાપુની પ્રેરક ઉપસ્થિતિમાં યોજાયો હતો. જેમાં એવોર્ડ અર્પણ કરવાની કમિટીએ રાજ્યના વિવિધ ભૌગોલિક વિસ્તારો અને વૈવિધ્ય ધરાવતા લોકગાયકો, લોકસાહિત્યકારો, ભજનિકો અને કલાકારોમાંથી બંને એવોર્ડ માટે બે-બે મહાનુભાવો પસંદ કર્યા હતા જેમાંથી નરોત્તમ પલાણ અને ડૉ. અમૃત પટેલને ઝવેરચંદ મેઘાણી લોસાહિત્ય એવોર્ડ તેમજ કાશીબેન ગોહિલ અને નાથાભાઈ ગમારને લોકગાયક હેમુ ગઢવી એવોર્ડ મોરારિબાપુના હસ્તે અપાયો હતો.
આ પ્રસંગે આશીર્વચન આપતા મોરારિબાપુએ કહ્યું હતું કે, આ ચારેય મહાનુભાવોને અપાયેલા એવોર્ડએ હેમ સાહિત્ય અને મેઘ સાહિત્યનું સન્માન છે. તેમણે વધુમાં કહ્યું હતું કે, મેઘાણી બાપા માટે મારે એક કથા પણ કરવી છે પછી એ કથા ચોટીલામાં થાય, બોટાદમાં થાય કે રાજકોટમાં પણ કરવી જરૂર છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કાગબાપુની પણ ચેર શરૂ થાય તેવું સૂચન પણ મોરારિબાપુએ કર્યું હતું.
એવોર્ડ સમારંભમાં મોરારિબાપુએ પોતાના પ્રેરક વક્તવ્યના અંતમાં કહ્યું હતું કે, કાર્યક્રમ પહેલા વિજય દેશાણી સાથે વાતચીત થઈ હતી કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવા માહોલ વચ્ચે કાર્યક્રમ રાખવો છે કે, પછી નવાવર્ષમાં રાખીએ. ત્યારે ઉપકુલપતિએ કહ્યું હતું કે, યુનિવર્સિટીમાં ચાલી રહેલા વિવાદમાં અમે સામેલ નથી અને તે વિવાદ અને આ કાર્યક્રમ સાથે કોઈ લેવા દેવા નથી તેથી કાર્યક્રમ આયોજિત થઈ શકે છે.