ભુજઃ સ્વાતંત્ર્ય પર્વે હૂમલાની આશંકાના પગલે દેશની વિવિધ સરહદો પર સુરક્ષા સઘન બનાવાતી હોય છે. તાજેતરમાં જ થયેલા જમ્મુના ડ્રોન હૂમલા બાદ કચ્છમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધો લગાવવામાં આવ્યા છે. આવા સમયે બીએસએફ
દ્વારા પણ કચ્છની બોર્ડર પર જવાનોની સંખ્યા અચાનક વધારવામાં આવી હતી.
કચ્છની ઇન્ડો-પાક બોર્ડર પર હાઇએલર્ટને પગલે ક્રિકમાં બીએસએફ દ્વારા જાપ્તો વધારી દેવામાં આવ્યો હતો. એલર્ટના કારણે બીએસએફના અધિકારીઓ તથા જવાનોની રજાઓ પણ કેન્સલ કરવામાં આવી હોવાનું જાણવા મળ્યું હતું.
આ અંગે બીએસએફના ફ્રન્ટિયરના આઇ.જી. જી.એસ.મલિકે જણાવ્યું હતું કે, આ રૂટિન પ્રક્રિયા છે. જમ્મુના ડ્રોન હુમલાને પગલે કચ્છને એલર્ટ કરવામાં આવ્યું છે. જોકે દર વર્ષે ૧૫મી ઓગસ્ટ પહેલા આ પ્રકારનું એલર્ટ હોય છે. જેમાં જ્યાં ૧૦૦ જવાનો હોય ત્યાં ૧૨૫ જવાનો મુકવામાં આવે છે એટલે કે ત્યાં સંખ્યાબળ વધારવામાં આવે છે.