ભુજ: વિશ્વભરમાં ઇલેક્ટ્રિક વાહનોનો ક્રેઝ વધી રહ્યો છે. ગુજરાતમાં પણ ધીમે ધીમે ઇલેક્ટ્રિક કારને લોકો પસંદ કરી રહ્યા છે. ત્યારે કચ્છના રાજવી પરિવાર દ્વારા રૂ. ૧ કરોડની કિંમતની ઇલેક્ટ્રિક કારની ખરીદી કરવામાં આવી છે. આ ગુજરાતની પ્રથમ આટલી મોંઘી ઇલેક્ટ્રિક કાર છે.
કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજાએ આ કાર માટે ખાસ જર્મનીને ઓર્ડર આપ્યો હતો, જે કચ્છી નવા વર્ષ અષાઢી બીજના દિવસે રાજવી પરિવારને ડિલિવરી કરવામાં આવી હતી. કચ્છના મહારાવ પ્રાગમલજી ત્રીજા હંમેશાં પર્યાવરણને જાળવી રાખવા અને બચાવવા માટે પ્રયત્નશીલ રહેતા હતા. આધુનિક યુગમાં વાહનોથી પ્રદૂષણનો ફેલાવો થતાં પર્યાવરણને ખાસું નુકસાન પહોંચી રહ્યું છે, જેથી તેમણે પોતાની હયાતીમાં પ્રદૂષણમુક્ત કાર માટે જર્મનીની કાર નિર્માતા કંપની મર્સિડીઝ બેન્ઝને ઇલેક્ટ્રિક કારનો ઓર્ડર આપ્યો હતો.
મહારાવ પ્રાગમલજી ત્રીજા વિન્ટેજ કારો અને ઓટોમોબાઇલના ખૂબ પ્રેમી હતા. મર્સિડીઝ બેન્ઝ કંપનીની આ ઇલેક્ટ્રિક કારની કિંમત રૂ. ૧ કરોડથી પણ વધુ છે અને કચ્છનો રાજવી પરિવાર આટલી મોંઘી ઇલેક્ટ્રિક કાર ખરીદનાર પ્રથમ છે. મર્સિડીઝ બેન્ઝની EQC-૪૦૦ ઇલેક્ટ્રિક કાર માટે ઓર્ડર આપવામાં આવ્યો હતો, જેને જર્મનીમાં બનાવડાવીને ભારત ઇમ્પોર્ટ કરવામાં આવી છે. આ કાર ભુજ રણજિત વિલાસ પેલેસ પહોંચી હતી.
આ કારમાં દરેક પેસેન્જર સીટમાં પર્સનલ મસાજનું ફીચર્ચ પણ છે, જેમાં ગાડીમાં બેઠેલી વ્યક્તિને જુદી-જુદી મસાજ પર્સનલી આપી શકાય છે. ઉપરાંત આ કારમાં ૭ એરબેગ છે જે સુરક્ષાની દૃષ્ટિએ ખૂબ સારું કહી શકાય. આ ગાડી એક વખત ચાર્જ કર્યા પછી ૪૫૦ કિલોમીટર ચાલે છે. કારને ફુલ ચાર્જ થતાં ૭-૩૦ કલાકનો સમય લાગે છે.