ભુજઃ ગુજરાતના કચ્છમાં આવેલા પુરાતન વિરાસત એવા ધોળાવીરાને હવે વર્લ્ડ હેરીટેજનો દરજ્જો મળી ચુક્યો છે. આ અંગે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ ટ્વીટ કરીને જાણકારી આપી હતી. આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાએ ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ યાદીમાં સમાવવા કેન્દ્ર સરકારે વર્ષ ૨૦૨૦માં યુનેસ્કોના વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકેના નોમિનેશન માટે ડોઝિયર મોકલ્યું હતુ. જેના ભાગરૂપે ચારેક માસ પહેલા યુનેસ્કોની વર્લ્ડ હેરિટેજ કમિટી ધોળાવીરાની મુલાકાત કરી હતી. આ સાઇટને આખરે વર્લ્ડ હેરિટેજનો દરજ્જો આપતા હવે ધોળાવિરાને વૈશ્વિક ઓળખ મળશે.
ધોળાવીરા જે ગામ છે ત્યાં અંદાજિત ૫૦૦ થી ૬૦૦ વર્ષ પૂર્વે ગામના તળાવ પાસે સફેદ ટેકરાની આસપાસ કુદરતી પાણીના વીરા (વિરડા) વહેતા હતા તેના પરથી ધોળાવીરા ગામનું નામ ધોળાવીરા પડ્યું હતું. રાજાશાહી વખતે જે નગર કે શહેરમાં કોટ બનાવવામાં આવતા એ પ્રમાણે ધોળાવીરા ગામથી થોડે દુર ઊંચાઈ એટલે કે ટેકરો જેને વાગડની ભાષામાં ટિમ્બો કહેવામાં આવે છે. માટે ટીમ્બા પરનો કોટ એટલે કોટડા ટીમ્બા. વર્ષ ૧૯૯૧ના સંશોધન બાદ સાઈટનું નામ કોટડા ટિમ્બાના સ્થાને ધોળાવીરા તરીકે અમલમાં આવ્યું આમ સંશોધકો દ્વારા હડપ્પા સાઈટનું નામ ધોળાવીરા તરીકે ખ્યાતિ પામ્યું. કચ્છના ખડીર બેટ પર આવેલું વિશ્વ પ્રસિદ્ધ સિંધુ-સરસ્વતી સભ્યતાના શહેર ધોળાવીરા હવે દેશનું ૩૯મું વિશ્વ વિરાસત શહેર બન્યું તેવી જાહેરાત કરવામાં આવી છે. ભુજથી લગભગ ૨૦૦ કિલોમીટર ઉત્તરમાં ખડીરબેટ આવેલો છે. આ જ બેટ પર ધોળાવીરા ગામ વસ્યું છે.
પાણી સંગ્રહ કરવાની રીત શહેરને બનાવે છે અનોખું
ડો. આર.એન. બિસ્ટ દ્વારા ૧૯૯૧ અને ૧૯૯૨માં ધોળાવીરામાં સંશોધન કાર્ય કરાયું હતું. ધોળાવીરા એક આયોજનબદ્ધ શહેર હતું. પાણી સંગ્રહ, પુરથી બચવાના કાર્યો, સ્ટેડિયમ સહિતના સ્થળો માત્ર ધોળાવીરામાં છે, અન્ય કોઇ હડપ્પન શહેરમાં આવી યોજના નથી. ખાસ કરીને ૧૦ અક્ષર ધરાવતુ સાઇન બોર્ડ મળી આવ્યું છે. આ લિપિ માત્ર ધોળાવીરામાં મળી છે. જેના અક્ષર જિપ્સમથી બનાવવામાં આવ્યા છે. નગરને ખાલી કરતી વખતે લોકોએ પ્રવેશદ્વાર પરથી
આ સાઇનબોર્ડ એક રૂમમાં રાખી દીધું હતું. જેથી તે સુરક્ષિત મળી શક્યું છે.
ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારી શહેર હતું
હાલ જ્યા રણ છે પણ પાંચ હજાર વર્ષ પહેલા ત્યાં સમુદ્ર હતો. અહીં જહાજો પણ આવી શકતા હતા. જેના પગલે ધોળાવીરા એક વૈશ્વિક વ્યાપારિક હબ હતું. કારણ કે ધોળાવીરાથી છેક મોસોપોટેમિયા, આરબ અને ઇરાન સુધી વેપાર થતો હતો. અહીં શંખ, તાંબુ સહિતના ઉદ્યોગો વિકસ્યા હતા. ધોળાવરીમાં એક હજારથી વધારે વજનીય મળ્યા છે. જેના પગલે ધોળાવીરા ખૂબ જ મોટુ વ્યાપારિક મથક હતું.
વર્લ્ડ હેરિટેજ સાઈટની શુ છે જરૂરિયાત
ધોળાવીરા ગામના અગ્રણી જીલ્લુભા વેલુભા સોઢાએ જણાવ્યું હતું કે યુનેસ્કો દ્વારા ધોળાવીરાને વર્લ્ડ હેરિટેજ સાઇટ જાહેર કરવામાં આવતા ૨૭૦૦ની વસ્તી ધરાવતા ગામમાં ખુશી વ્યાપી છે. કોરોના કાળમાં એકલ દોકલ પ્રવાસી આવતા રહે છે. લાંબુ અંતર હોવાથી આ વિષયમાં રસ રુચિ ધરાવતા લોકોજ અહીં સુધી પહોંચે છે. હજુ સુધી ૧૨ થી ૧૩ હજારની વસ્તી ધરાવતા ખડીર બેટના ૧૨ જેટલા ગામ અને વાંઢમાં બેંક અને એટીએમની સુવિધા નથી. ૨૪ કલાકમાં એકજ એસટી બસ આવે છે.