અમદાવાદઃ વડોદરાના ચકચારી સ્વીટી પટેલ કેસમાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચે તપાસનો દોર હાથમાં લીધાના ગણતરીના દિવસોમાં સ્વીટી પટેલના પતિ વડોદરા રૂરલના પીઆઇ અજય દેસાઇને આખરે ૪૯ દિવસ પછી કબૂલ્યું હતું કે, તેમણે જ ગળેટૂંપો દઇને પત્ની સ્વીટી પટેલની હત્યા કરી હતી. આ હત્યાના કેસમાં પુરાવોના નાશ કરવામાં મદદ કરવા બદલ અજ્ય દેસાઇના મિત્ર કિરીટસિંહ જાડેજા સામે પણ ગુનો નોંધવામાં આવ્યો છે.
અજય અમૃતભાઇ દેસાઇને સ્વીટી પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. ક્રાઇમ બ્રાંચની પુછપરછમાં અજય દેસાઇએ સ્વાકાર્યું હતું. કે, પત્નીની હત્યા કર્યા પછી લાશ મિત્ર કિરિટસિંહ જાડેજાની અટાલી પાટિયા પાસે આવેલી બંધ હોટેલ પાછળ અવાવરું જગ્યામાં સળગાવી ફેંકી દીધી હતી. ક્રાઇમ બ્રાંચે અજય દેસાઇની સંડોવણી પુરવાર કરી તેના મિત્ર કિરીટસિંહની સામે મદદગારીનો ગુનો દાખલ કર્યો છે.
કરજણ પોલીસ સ્ટેશનમાં ૧૧ જૂને સ્વીટી પટેલના ગુમ થવાની ફરિયાદ નોંધાઇ હતી. જો કે ત્યાર બાદ પોલીસે તપાસમાં કશું હાથ લાગ્યું ન હતું. પરંતુ શંકાની સોય પતિ અજય દેસાઇ તરફ તકાયેલી હતી. આ કેસની ગંભીરતા જોઇને રાજ્યના ગૃહપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ તપાસ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને એટીએસને સોંપી હતી. એટીએસની સાથે રહીને ક્રાઇમ બ્રાંચે સંયુક્ત રીતે તપાસ હાથ ધરી હતી. જેની ફળશ્રુતિ રૂપે ક્રાઇમ બ્રાંચે આ કેસમાં મરનાર સ્વીટી પટેલની હત્યા તેના પતિ પીઆઇ અજય અમૃતભાઇ દેસાઇએ જ કરીને હોવાનો ઘટસ્ફોટ થયો હતો.
લાશ બ્લેન્કેટમાં લપેટી કારની ડેકીમાં મૂકી પછી ગુમ થયાની સાળાને જાણ કરી
સ્વીટી પટેલની હત્યા તેની લાશને સગેવગે કરવા માટે અજય દેસાઇએ બીજા દિવસે સવારના પોણા અગિયાર વાગ્યાના સુમારે પોતાની બ્લેક કલરની કારને તેના ઘરના કંપાઉન્ડમાં રિવર્સ લઇને ઘરના મુખ્ય દરવાજા સુધી લાવી મુકી હતી. ત્યાર બાદ સ્વીટીનો લાશને ઉપરના રૂમમાં બ્લેન્કેટમાં પેક કરીને કારની ડેકીમાં મુકી દીધી હતી. ત્યાર બાદ સવારના સાડા અગિયાર વાગ્યે પોતના સાળા જયદીપભાઇ પટેલને સ્વીટી ગુમ થઇ ગઇ હોવાની જાણ કરી હતી. આમ કરીને પોલીસને અવળે પાટે ચડાવવાનો તેમણે પ્રયાસ કર્યો હતો.