રાજકોટ: બી.એ.પી.એસ. સ્વામિનારાયણ સંસ્થાના આધ્યાત્મિક ગુરુ અને અસંખ્ય લોકોના પ્રેરણામૂર્તિ પ્રમુખસ્વામી મહારાજના તારીખ પ્રમાણેના જન્મદિન ૭ ડિસેમ્બરે રાજકોટના ૭ સહિત કુલ ૧૦૯ યુવાનોને દીક્ષા આપવાનો મહોત્સવ યોજવાનો છે. પ્રમુખસ્વામીના જન્મસ્થળ ચાણસદ ખાતે જ યોજાનારા આ દીક્ષા મહોત્સવમાં રાજકોટના જે યુવાનો દીક્ષા અંગીકાર કરવાના છે તે સાત યુવાનો પૈકી કોઈ એન્જિનિયરિંગ તો કોઈ બીએસસી, કોઈ બીબીએ તો કોઈ એમબીએ અને બી.કોમની પદવી ધરાવે છે. પ્રમુખ સ્વામી મહારાજની ૧૦૦મી જન્મજયંતી આ વર્ષે રાજકોટ સહિત વિશ્વના અનેક દેશોમાં આવેલા બીએપીએસ સ્વામિનારાયણ મંદિરે ધામધૂમથી ઉજવાશે ત્યારે વડોદરાથી ૧૩ કિ.મી દૂર આવેલા પ્રમુખસ્વામી મહારાજના જન્મસ્થળ ચાણસદ ખાતે ૭ મી ડિસેમ્બરે રાજકોટના ૭ યુવાનો જીલ પટેલ, યોગી વસોયા, મિત લાડવા, યશ શિંગાળા, ભૌતિક ઠેસિયા, યોગેશ પરમાર અને બ્રિજેશ ચાવડા સહિત કુલ ૧૦૯ લોકોને દીક્ષા અપાશે.
