પોરબંદરઃ દેવભૂમિ દ્વારકા જિલ્લાનાં ઓખા નજીકનાં અરબી સમુદ્રમાં મધરાત્રે બે વિશાળ શિપ વચ્ચે ટક્કર સર્જાતા અફડા-તફડીનાં માહોલ વચ્ચે કોસ્ટગાર્ડ સહિતની સુરક્ષા એજન્સીઓને દોડધામ થઈ ગઈ હતી. જેમાં કોસ્ટગાર્ડની પેટ્રોલીંગ શીપ, હોવરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની મદદથી બંને જહાજના ૪૩ ક્રૂ-મેમ્બરોને બચાવી લેવાયા હતા. બીજી તરફ ભારતનાં એવીએટર કાર્ગો શીપ સાથે અથડાયેલા હોંગકોંગનાં એટલાન્ટિક જહાજમાં ઓઈલ-કેમિકલ ટેન્કર હોવાથી દરિયામાં ઢોળાવાની શક્યતાથી હજુ પણ મદ્યદરિયે સુરક્ષા એજન્સીઓની ભારે દોડધામ યથાવત રહી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાથી કચ્છ વચ્ચેનાં અરબી સમુદ્રમાં ઓખાથી આશરે ૧૨ નોટિકલ માઈલ દૂર ભારતનું એમવી માય એટલાન્ટિક ગ્રેસ કાર્ગો જહાજ અને હોંગકોંગ-ફિલીપીન્સના માય એવિયેટર નામનાં ઓઈલ-કેમિકલ કન્ટેનરનાં જહાજ વચ્ચે રાત્રે સાડા નવ વાગ્યાનાં અરસામાં ટક્કર થવા પામી હતી. આ અંગેની જાણ ભારતીય સુરક્ષા વિભાગને કરવામાં આવી હતી. જેના અનુસંધાને સુરક્ષા એજન્સી તથા કોસ્ટગાર્ડ અકસ્માત સ્થળે પહોંચી ગયા હતા અને બંને જહાજમાં રહેલા ૪૩ ક્રૂ-મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા. જેના કારણે મોટી જાનહાની ટળી હતી. ઓઇલ સાથે જઇ રહેલા જહાજમાંથી ઓઈલ દરિયામાં ભળી ન જાય અને જળ પ્રદૂષણ ન ફેલાય તે માટેની જરૂરી તાકીદની કાર્યવાહી કરવામાં આવી હતી.
મધદરિયામાં સર્જાયેલા વિચિત્ર અકસ્માતનાં કારણે ભારતના જહાજમાં રહેલા ૨૧ તથા ફિલિપિન્સના જહાજમાં રહેલા ૨૨ મળી તમામ ૪૩ ક્રૂ-મેમ્બરોનાં જીવ અધ્ધર થઈ ગયા હતા. જો કે, કોસ્ટગાર્ડને જાણ થતાં જ તેની પેટ્રોલીંગ શીપ, હોવરક્રાફ્ટ ઉપરાંત હેલિકોપ્ટરની પણ મદદ લઈને ગણતરીની કલાકોમાં બન્ને દુર્ઘટનાગ્રસ્ત જહાજ સુધી પહોંચી તમામ ક્રૂ-મેમ્બરોને બચાવી લેવામાં આવ્યા હતા.
બન્ને જહાજ કંડલા પોર્ટનાં હતા. એક આવતું હતું અને બીજું જતું હતું. દરિયામાં થયેલા અકસ્માતમાં એવીએટર શીપને એટલાન્ટિક ગ્રેસ જહાજે વચ્ચેનાં ભાગમાં ટક્કર મારી હતી. આ બંને જહાજ વચ્ચે કયા કારણોસર ટક્કર થઇ તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. અકસ્માતના કારણે દરિયામાં પ્રદૂષણ ન ફેલાય તે માટે કોસ્ટગાર્ડની પ્રદૂષણ નિયંત્રણ વેસલ્સ શીપ આઈસીજીએસ સમુદ્ર પાવકની મદદ પણ લેવામાં આવી હતી. સદનશીબે ઓઈલ જહાજમાંથી કોઈ લીકેજ નહીં થતાં બન્ને જહાજને વધુ નુકસાન પણ નહીં થતાં હાશકારો અનુભવાયો હતો. મધદરિયે બે વિશાળ જહાજ વચ્ચેની ટક્કરે ટાઈટેનિક દુર્ઘટનાની યાદ અપાવી દીધી હતી.

