સુરતઃ ઓમિક્રોન વેરિયેન્ટ જે દેશોમાં જોવા મળી રહ્યો છે એવા હાઇરિસ્ક 11 દેશમાંથી સુરત આવેલા 41માંથી 31 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ નેગેટિવ આવ્યા છે, જ્યારે 10ના પેન્ડિંગ છે. વિદેશથી આવેલા તમામ લોકોને 7 દિવસ માટે હોમ ક્વોરન્ટીન કરી દેવામાં આવ્યા છે. ઓમિક્રોનના અલર્ટ વચ્ચે પાલિકા દ્વારા વેક્સિનેશનની કામગીરી તેજ કરવામાં આવી છે. આજે 176 સેન્ટર પર રસીકરણ હાથ ધરવામાં આવશે
વિદેશથી ૪૨૬ મુસાફર સુરત આવ્યા
જોખમી દેશ કેટેગરી સિવાયના અન્ય દેશોમાંથી આવેલા 426 મુસાફરમાંથી 178 મુસાફરોના આરટી-પીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે, જેમાંથી 70 મુસાફરોનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે, જ્યારે 108નો રિપોર્ટ પેન્ડિંગ છે. અન્ય હાઇરિસ્ક સિવાયના દેશમાંથી આવનરા મુસાફરોમાંથી 5 ટકા રેન્ડમલી ટેસ્ટ કરવામાં આવશે. પાલિકા કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે આ વેરિયેન્ટથી રિઇન્ફેક્શન થાય છે કે નહીં એની તપાસ ચાલી રહી છે. લોકોએ માસ્ક અને સેનિટાઇઝરનો ઉપયોગ અવશ્ય કરવો જોઈએ.
જિલ્લામાં આવેલા ૪ NRIનાં સેમ્પલ લેવાયાં
સુરત જિલ્લામાં વિદેશથી આવેલા ચાર જણનાં સેમ્પલો ટેસ્ટિંગ માટે મોકલી દીધાં હોવાનું જિલ્લા કલેકટર દ્વારા જણાવવામાં આવ્યું છે. રોજગાર અર્થે ગયેલા ચોર્યાસી તાલુકાના એકલારા ગામના વતની ત્રણ દિવસ પહેલાં યુકેથી આવ્યા હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે કામરેજ તાલુકાના ખાનપુરની ત્રણ વ્યક્તિ પણ પરત આવી હોવાનું જાણવા મળે છે. આ તમામને હાલ ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. તમામ વ્યક્તિ ૨૫થી ૪૦ વર્ષની હોવાનું આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.

