કચ્છના નાના રણમાં માનવીય ખલેલથી દૂર સુરખાબની ૪૦ હજાર માળા વસાહત

Tuesday 30th November 2021 13:57 EST
 
 

ભુજ: કચ્છના નાના રણમાં સુરખાબ પક્ષીઓની લાઇનબદ્ધ અનોખી માળા વસાહત જોવા મળતાં અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખી સવિસ્તૃત માહિતી મેળવી હતી. દર વર્ષે હજારો કિ.મી. દૂર આવેલા સાઇબેરિયાથી સફેદ અને ગુલાબી રંગના લેસર અને ગ્રેટર પક્ષીઓ વેરાન રણમાં ચોમાસું ગાળવા આવે છે. વધુમાં રણમાં અસ્તિત્વ ધરાવતાં ૭૪ જેટલા નાના-મોટા બેટ વિદેશી નયનરમ્ય પક્ષીઓને માનવીય ખલેલથી પર એવા સુરક્ષિત આવાસ પુરા પાડે છે.
આ વર્ષે પણ લાખોની સંખ્યામાં વિદેશી નયનરમ્ય પક્ષીઓ અહીં મહાલવા આવ્યાં છે. થોડા સમય અગાઉ ઝીંઝુવાડાના નાગબાઇ રણમાં સુરખાબનું નેસ્ટિંગ જોવા મળ્યું હતું, પરંતુ રણમાં ભારે વરસાદને પગલે નેસ્ટિંગ ફેલ થયું હતું. ત્યારે ફરીથી માળા વસાહત જોવા મળતાં રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો.
નોંધનીય છે કે સુરખાબ સમૂહમાં માળા બનાવે છે અને ચારેબાજુ અડધા ફૂટ જેટલું પાણી હોવાથી ૪૦થી ૪૫ ચોરસ મીટર ઊંચા ઢગલા બનાવી એના ઉપર ઇંડાં મૂકે છે, જેથી સંવનન બાદ બચ્ચાં નીકળે ત્યારે એને સહેલાઇથી ખોરાક મળી રહે છે. બાદમાં સુરખાબ પક્ષીઓ રણમાં બચ્ચાંને ઊડતા શીખવાડી ચોમાસા બાદ એની સાથે સામૂહિક ઉડાન ભરે છે.
કચ્છના નાના રણમાં કૂડાથી ૧૦ કિ.મી.દૂર વેરાન રણમાં ફરીવાર ૫ હજાર ઇંડાં અને ૩૦ હજાર જેટલાં બચ્ચાં સાથે ૪૦ હજારની અનોખી માળા વસાહત જોવા મળી હતી, જેને પગલે અભયારણ્ય વિભાગના રેન્જ ફોરેસ્ટ ઓફિસર સહિતની ટીમે રણમાં પડાવ નાખ્યો હતો.
ઓગસ્ટ ૧૯૯૮માં પણ આવી જ અનોખી માળા વસાહત મળી આવી હતી
આ પહેલાં નાના રણમાં એક વિશાળ માળા વસાહત વચ્છરાજ બેટની દક્ષિણે તથા જલંધર બેટમાં ઓગસ્ટ ૧૯૯૮માં નોંધાઇ હતી. આ વસાહત ૨૫૦ જેટલા એકરમાં નોંધાઇ હતી. એમાં હજારોની સંખ્યામાં માળા હતા. એક અંદાજ પ્રમાણે ઓગસ્ટ ૧૯૯૮માં મળી આવેલી અનોખી માળા વસાહતમાં ૨૫ હજારથી ૩૦ હજાર જેટલા માળા, ૩૦ હજાર જેટલાં પુખ્ત ઉંમરનાં પક્ષીઓ અને ૨૫ હજાર જેટલા બચ્ચાં હતાં.


comments powered by Disqus