કોપી કેસમાં પકડાતાં પતિએ ક્રૂરતાના આધારે છૂટાછેડા મેળવ્યા, પત્ની હાઇકોર્ટમાં

Tuesday 30th November 2021 14:10 EST
 

અમદાવાદ: હાઈકોર્ટમાં છૂટાછેડાનો એક અજીબ કેસ આવ્યો. જેમાં, પત્ની પરીક્ષામાં ચોરી કરતાં પકડાતા તે ડોક્ટર પતિની સાથે એક પ્રકારની ક્રૂરતા છે, તેવી પતિની દલીલ સ્વીકારીને ભાવનગર ફેમિલી કોર્ટે આ આધારે છૂટાછેડા ગ્રાહ્ય રાખ્યા હતા. જેની સામે પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરેલી છે. આ કેસમાં છૂટાછેડાનું કારણ જાણીને હાઈકોર્ટ પણ દંગ રહી ગયેલી. સુનાવણી બાદ, હાઈકોર્ટે આદેશ કર્યો છે કે, આ કેસમાં સમાધાનની કોઈ સંભાવના હોય તો બંને પક્ષકારો વિચારે અને ભરણપોષણની રકમ નક્કી કરો.
પત્નીના વકીલની હાઈકોર્ટમાં રજૂઆત હતી કે, વર્ષ, ૨૦૦૬માં દંપત્તિના લગ્ન થયેલા. આ પછી, પતિ એમબીબીએસના અભ્યાસ માટે રશિયા ગયેલો. ત્યાંથી પરત આવ્યા બાદ, પતિ-પત્ની વચ્ચે મતભેદ થતાં ૨૦૧૪માં અલગ થયેલા. ત્યારબાદ પતિએ ભાવનગરની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે તો પત્નીએ પતિની સાથે રહેવા માટે અરજી કરેલી. આ સમયે, પતિની રજૂઆત હતી કે તેની પત્ની ડો. બી.આર. આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં અભ્યાસ કરતી હતી અને પરીક્ષા સમયે તે ચોરીના કેસમાં પકડાયેલી, જેથી પતિની શાખ ખરડાઈ છે અને તે પતિ સાથે ક્રૂરતા સમાન છે. જે રજૂઆતને ભાવનગર ફેમિલી કોર્ટે સ્વીકારેલી. જેની સામે, પત્નીએ હાઈકોર્ટમાં અરજી કરીને સ્ટે મેળવેલો છે. પતિ જે ઘટનાની વાત કરે છે, તે વર્ષ ૨૦૦૮ની છે અને છૂટાછેડાની અરજી વર્ષ ૨૦૧૪ પછી થયેલી છે. જેથી આ કારણ વાજબી નથી.


comments powered by Disqus