અમદાવાદ: કોરોનામાં મૃત્યુ પામેલી વ્યક્તિના પરિવારજનને નાણાંકીય સહાય આપવાના મામલે અટપટી પ્રક્રિયાથી સુપ્રિમ કોર્ટ ગુજરાત સરકારથી ભારોભાર નારાજ છે. હવે સુપ્રિમની ફટકાર બાદ ગુજરાત સરકારને જ્ઞાન લાદ્યું છે જેના પગલે સહાય મેળવવાની પ્રક્રિયાને વધુ સરળ બનાવવા તૈયારીઓ કરાઇ છે.
એટલુ જ નહીં, મૃત્યુના કારણને લઇને ઉભી થયેલી અસમંજસને પગલે હવે આરટી-પીસીઆર ટેસ્ટ, રેપિડ ટેસ્ટ સહિત હોસ્પિટલના દસ્તાવેજોને ય માન્ય રખાશે. સાથે સાથે મૃતકના પરિવારજનને કોવિડ ડેથ સર્ટીફિકેટ નહીં પણ કોઝ ઓફ ડેથ સર્ટિફિકેટ આપવા ય નક્કી કરાયુ છે.
ગુજરાત સરકારના ચોપડે કોરોનાનો મૃત્યુઆંક ૧૦ હજાર નોંધાયેલો છે. હકીકતમાં કોરોનાનો મૃત્યુઆંક ઘણો મોટો છે. સુપ્રિમકોર્ટના નિર્દેશને પગલે કોરોનાથી મૃત્યુ થયેલી વ્યક્તિને રૂા. ૫૦ હજાર સહાય આપવા નક્કી કરાયુ છે. ગુજરાતમાં પ્રશ્ન એ સર્જાયો છેકે, મોટાભાગના મૃતકોના ડેથ સર્ટિફિકેટમાં મૃત્યુનું કારણ જ દર્શાવાયુ નથી.
આ જોતાં સરકારે મૃત્યુઆંક બહાર ન આવે તે હેતુસર ફોર્મ ભરવાની અટપટી પ્રક્રિયા ઘડી હતી. સાથે સાથે કોરોનાથી મૃત્યુ થયુ છે કે કેમ તે નક્કી કરવા એક કમિટી રચવા સુધી નક્કી કર્યુ હતું. જોકે, સુપ્રિમ કોર્ટે આરોગ્ય સચિવનો રીતસર ઉધડો લીધો હતો.એટલું જ નહીં, સરકારની દાનત પર સવાલ ઉભો કરતાં ગુજરાત સરકારની આ આખીય ગણતરી ઉંધી પડી હતી.
સુપ્રિમની ફટકાર બાદ ગુજરાત સરકારે કોરોનાની સહાય મેળવવાનું વધુ સરળ બને તે માટે કાર્યવાહી શરૂ કરી છે. સૂત્રોના મતે, ટૂંક સમયમાં તા. ૨૦ નવેમ્બરના પરિપત્રમાં સુધારો કરી નવા નિયમો સાથે પરિપત્ર જારી કરવામાં આવશે.

