વડોદરાઃ ગોધરા હત્યાકાંડનો મુખ્ય સૂત્રધાર અને વડોદરાની સેન્ટ્રલ જેલમાં આજીવન કેદની સજા કાપતા હાજી બિલાલનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. હાજી બિલાલ પલ્મોનરી ડિસીઝથી પીડાતો હતો. પંચમહાલ જિલ્લાના ગોધરાના હયાતની વાડી માસૂમ મસ્જિદ પાસે રહેતો બિલાલ ઇસ્માઇલ અબ્દુલ મજીદ સુજેલા માજી કોર્પોરેટર હતો. વર્ષ ૨૦૦૨માં ગોધરામાં સાબરમતી ટ્રેનના કોચ સળગાવવામાં તેની મુખ્ય ભૂમિકા હતી. સિગ્નલ ફળિયાના નાકે જુના જકાતનાકા નજીક હાજી બિલાલે ફાયર બ્રિગેડના ફાયર ફાયટરને આવતા રોક્યા હતા. જ્યારે આ સ્થળે ઉપસ્થિત ટોળાંને પથ્થરમારો કરવા માટે ઉશ્કેર્યા હતા. ગોધરા હત્યાકાંડના આ બનાવમાં કોર્ટે ફેબ્રુઆરી ૨૦૧૧માં હાજી બિલાલ સહિત ૧૧ આરોપીઓને ફાંસની સજા અને અન્ય ૨૦ આરોપીઓને આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. જમાં હાજી બિલાલ હાઇકોર્ટમાં ગયો હતો. તેની સજા આજીવન કેદમાં પરિવર્તિત થઇ હતી. વડોદરાની સેન્ટ્રલ જેલમાં હાજી બિલાલ આજીવન કેદની સજા કાપતો હતો.
ઓગસ્ટ ૨૦૨૧થી હાજી બિલાલ પેરોલ ઉપર હતો. જ્યારે તે પુનઃ સેન્ટ્રલ જેલમાં હાજર થયો હતો. ત્યારે તેની તબિયત લથડતા તેને તા ૨૨મી નવેમ્બરના રોજ સયાજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જયાં સારવાર દરમિયાન તેનું મોત નીપજ્યું હતું. હાજી બિલાલ છેલ્લા ત્રણ વર્ષ ઉપરાંતના સમયથી પીડાતો હતો. જેના લીધે તેના ૩૦થી ૩૩ ટકા ફેફસાં જ કાર્યરત હતા.
