સુરતઃ પ્રાચીનકાળમાં સૂર્યપુર નામે જાણીતા સુરત અને તેની આસપાસના વિસ્તારમાં પ્રાચીનકાળથી સૂર્યભક્તિ પ્રચલિત હોવાના પુરાવાઓ છે જેથી જ આ નગરનું નામ ‘સૂર્યપુર’ અથવા ‘સૂરજપુર’ હોવાની હકીકતને સમર્થન મળે છે. ત્યારે શહેરમાં કોઈ સ્વતંત્ર સૂર્યમંદિર અસ્તિત્વમાં નથી પરંતુ ૧૦ શિવમંદિરોમાં સૂર્યમૂર્તિ અસ્તિત્વ ધરાવે છે.
સમગ્ર દેશમાં હેરિટેજ વીકની ઊજવણી થઈ રહી છે અને દેશના અલગ અલગ ભાગના ભવ્ય ઈતિહાસની અજાણી વાતો લોકો જાણી રહ્યા છે. સુરત શહેર માટે સૂર્યપુર નામનો ઉલ્લેખ પંદરમી સદીના મધ્ય ભાગથી માંડીને ઓગણીસમી સદીના અંત સુધીના આધારોમાંથી મળે છે. ઈતિહાસકાર સંજય ચોક્સીએ કહ્યું કે સુરતમાં પ્રાચીન સમયથી માનવ વસાહતના અવશેષો પ્રાપ્ત થયા છે અને એ સમયે સૂર્યની પૂજા શરૂ થઈ હોવાનું માનવામાં આવે છે. છઠ્ઠી સદી દરમિયાન સુરત અને તેની આસપાસના પ્રદેશ ઉપર સૂરવંશના રાજાઓનું શાસન હતું. સૂર રાજાઓ સૂર્યનાં ઉપાસક હતા એટલે પાંચમી-છઠ્ઠી સદી દરમિયાન સુરત અને તેની આસપાસના વિસ્તારમાં સૂર્યભક્તિ પ્રચલિત હતી.
હાલમાં સુરતમાં જહાંગીરપુરા સ્થિત કુરૂક્ષેત્ર મંદિર, ચોકબજાર સ્થિત રાજરાજેશ્વર મંદિર, અશ્વિનીકુમાર સ્થિત ત્રણ પાંદડાનો વડ, ગુપ્તેશ્વર મંદિર, વૈદરાજ મંદિર, ગજધ્વજેશ્વર મંદિર, મલ્લિકાર્જુન મહાદેવ મંદિર, નાનપુરા સ્થિત નિલકંઠ મહાદેવ મંદિર, રાંદેર સ્થિત ભવાનીશંકર મહાદેવ મંદિર અને કતારગામ સ્થિત કાંતારેશ્વર મંદિરમાં સૂર્ય ભગવાનની પ્રાચીન પ્રતિમાઓ છે. ભગવાન સૂર્યના શરીરનો રંગ લાલ હોય છે. સૂર્યનું વાહન એક પૈડાવાળા અને સાત અશ્વો જોડેલો રથ છે. તેને હાંકનાર એક સારથી હોય છે. જુદા જુદા ગ્રંથોમાં સૂર્ય ભગવાનની મૂર્તિઓના વર્ણનો અને સ્વરૂપો જોવા મળે છે. સૂર્યની વિવિધ પ્રતિમાઓમાંથી કેટલી ઊભેલી તો કેટલીક પલાંઠી વાળીને બેઠેલી પણ જોવા મળે છે.

