કેપટાઉન/જોહાનિસબર્ગઃ દક્ષિણ આફ્રિકામાં નવા કોરોના વેરિઅન્ટ ‘ઓમિક્રોન’ના હજારો નવા કેસ દરરોજ નોંધાઈ રહ્યા છે. નવો સ્ટ્રેન મળી આવ્યા પછી થોડાંક જ દિવસમાં દેશમાં સંક્રમિતોની સંખ્યામાં ભારે વધારો નોંધાતા સમગ્ર દુનિયામાં ચિંતાનું વાતાવરણ સર્જાયું છે.
દક્ષિણ આફ્રિકામાં અગાઉ કોવિડના ઓછા કેસ નોંધાતા હતા. પરંતુ, ૨૫ નવેમ્બરે ૨,૪૬૫ કેસ નોંધાયા હતા. તે ૨૪ નવેમ્બરે નોંધાયેલા ૧,૨૭૫ કેસ કરતાં લગભગ બમણાં અને અગાઉના દિવસોના ૭૯૪ કરતાં ખૂબ વધારે હતા. એક અઠવાડિયાના ગાળામાં સંક્રમિતોની સંખ્યા ચાર ગણી અને એક મહિના પહેલા હતી તેના કરતાં દસગણી થઈ હતી.
જોકે, તે પૈકી કેટલાં કેસ B.1.1.529ના હતાં તે સ્પષ્ટ થયું નથી. ૧૦૦થી ઓછાં કેસ ઓળખી કઢાયા હતા અને જેનેટિક સિક્વન્સિંગ દ્વારા તેની પુષ્ટિ થઈ હતી. નવા વેરિઅન્ટને લીધે નવા કેસોની ટકાવારી પર દક્ષિણ આફ્રિકાના વૈજ્ઞાનિકો કામ કરી રહ્યા છે.
પંરતુ, કન્ફર્મ થયેલા કેસો પૈકી મોટાભાગના જોહાનિસબર્ગ અને પ્રિટોરિયાને સમાવતા ગૌટેંગ પ્રાંતમાં નોંધાયા હતા. લેબોરેટરી ટેસ્ટીંગના પોઝિટિવ રીઝલ્ટમાં નવા વેરિઅન્ટનો સંકેત મળ્યો હતો. દેશના હેલ્થ મિનિસ્ટર જો ફાહલાએ જણાવ્યું હતું કે કેસોમાં તીવ્ર ઉછાળો નવા વેરિઅન્ટને લીધે હોય તેમ લાગે છે. રોજના હજારો કેસ B.1.1.529ના હોવાનું સૂચવતા દક્ષિણ આફ્રિકાના વાયરોલોજિસ્ટ અને ટોચના કોવિડ ટ્રેકર ડો. તુલિયો દ ઓલિવૈરાએ જણાવ્યું કે બે અઠવાડિયામાં જ તેનું જોર વધી ગયું છે.

