બનાસકાંઠના સરહદી સુઇગામના સનાલીપરાની પશુપાલક મહિલાને ગોપાલ રત્ન એવોર્ડ એનાયત

Tuesday 30th November 2021 13:58 EST
 
 

સુઇગામઃ બનાસકાંઠાના અંતરિયાળ વિસ્તાર એવા સુઈગામના સનાલીપરા વિસ્તારમાં રહેતા અભણ મહિલા દ્વારા ૧૦ વર્ષ પહેલાં ૨ પશુઓથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમાંથી પોતાના ઘરે જ બ્રિડિંગ કરી દેશી ઓલાદની કાંકરેજી ગાયો  ૬ તથા બન્ની નસ્લની ૧૪ ભેંસો તૈયાર કરતાં તેમની ગોપાલ રત્ન એવોર્ડમાં રાજ્યમાં તૃતીય સ્થાન માટે પસંદગી થતાં તેમને ગોપાલ રત્ન એવોર્ડ તથા રૂ.૨ લાખનો ચેક એનાયત કરાયો હતો.
સુઈગામ ગામના સનાલીપરા વિસ્તારમાં રહેતા નિરક્ષર મોંઘીબેન વર્ધસિંહ રાજપુતએ ૧૦ વર્ષ પહેલાં ૧ ગાય અને ૧ ભેંસથી પશુપાલનના વ્યવસાયની શરૂઆત કરી હતી. તેમના પતિ વર્ધસિંહ નાગજીજી રાજપુત જેઓ હાલમાં ગુજરાત રાજ્યના પશુપાલન ખાતામાં લાઈવ સ્ટોક ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવે છે. તેમના માર્ગદર્શન હેઠળ તેમના પત્ની મોંઘીબેન દ્વારા પોતાના ઘરે જ બ્રિડિંગ કરી ૨૦ પશુઓ તૈયાર કર્યા છે. જેમાં દેશી ઓલાદની  ૬ કાંકરેજી ગાયો તથા ૧૪ બન્ની નસ્લ ભેંસો છે.તેઓ હાલમાં વૈજ્ઞાનિક પદ્ધતિથી પશુપાલનનો વ્યવસાય કરતા હોય તેઓને બનાસ ડેરી દ્વારા ગુજરાત સરકાર દ્વારા જુદા જુદા એવોર્ડ મળેલ છે.
ત્યારે ભારત સરકારના પશુપાલન ખાતા રાષ્ટ્રીય ગોકુળ મિશન અંતર્ગત પશુઓની દેશી ઓલાદોનું સંવર્ધન થાય તે હેતુથી ભારતના જુદા જુદા ઝોન વાઈઝ ગોપાલ રત્ન એવોર્ડ આપવાની શરૂઆત કરાઇ છે. જેનો સર્વે ભારત સરકારના પશુપાલન ખાતા દ્વારા તથા NDDB (નેશનલ ડેરી ડેવલોપમેન્ટ બોર્ડ) દ્વારા મોંઘીબેનના પશુપાલનનો પણ સર્વે કરાયો હતો અને તેમની પસંદગી કરાઇ હતી.
જેને લઇ NDDB આણંદ ખાતે ૨૬ નવેમ્બરે યોજાયેલા કાર્યક્રમમાં મોંઘીબેન વર્ધસિંહ રાજપુતની ગોપાલ રત્ન એવોર્ડ તૃતીય સ્થાન માટે પસંદગી કરવામાં આવતાં પ્રધાન પુરસોત્તમ રૂપાલા દ્વારા ગોપાલ રત્ન એવોર્ડ એનાયત કર્યો હતો અને રૂ. ૨ લાખનો ચેક પણ અપાયો હતો.


comments powered by Disqus