મુખ્યમંત્રીને ધમકી આપી એક કરોડની ખંડણી માગનાર બટુક મોરારિ રાજસ્થાનથી ઝડપાયો

Tuesday 30th November 2021 14:00 EST
 

વાવઃ રાજ્યના સીએમને ’એક કરોડ પહોંચાડી દેજો નહીંતર અઠવાડિયામાં અકસ્માતમાં માર્યા જશો’ જેવા શબ્દોનો ઉપયોગ કરી વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાઇરલ કરનાર વાવ શહેરના મહેશ ભગત ઉર્ફે બટુક મોરારિની રાજસ્થાનથી પોલીસે ઝડપી પાડી તેની વિરુદ્ધ વાવ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી હતી.
ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને એક કરોડની ખંડણી મોકલવી દેવાના ધમકી આપતો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થતાં સમગ્ર ગુજરાતમાં હડકંપ મચ્યો હતો. જોકે મુખ્યમંત્રીને ધમકી આપનાર વ્યક્તિ બનાસકાંઠા જિલ્લાના સરહદી વાવ શહેરનો અને મહેશ ભગત નામનો તેમજ બટુક મોરિરા નામથી ઓળખાતો હોવાનું બહાર આવ્યું હતું. પરંતુ મુખ્યમંત્રીને ધમકીભર્યો વીડિયો વાઇરલ કરતાં ગૃહ વિભાગે તાત્કાલિક નોંધ લઈ બટુક મોરારિ નામની વ્યક્તિની ધરપકડ કરવાના આદેશ કરતા એલસીબી પાલનપુર સહિત વાવ પોલીસે સંયુક્ત ઓપરેશન હાથ ધરી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે મોડી સાંજ સુધી આ વ્યક્તિનો કોઈ પત્તો ન લાગ્યો ન હતો. શોધખોળ બાદ રાજસ્થાનના રેવદર નજીક આવેલા ગામમાં હોવાની બાતમી મળતાં પોલીસે દોડી જઈ મહેશ ભગતની અટકાયત કરી પૂછપરછ કરવાની તજવીજ હાથ ધરી હતી.


comments powered by Disqus