અમદાવાદ: બંધારણ દિવસ નિમિત્તે દિલ્હીના વિજ્ઞાનભવન ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં સંબોધન કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે સરદાર સરોવર ડેમ બનવાના કારણે રણ પ્રદેશ તરીકે ઓળખાતા કચ્છે એગ્રો એક્ષપોર્ટ દ્વારા પોતાની આગવી ઓળખ બનાવી છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે સરદાર પટેલે મા નર્મદા પર સરદાર સરોવર ડેમનું સપનું જોયું હતું. પંડિત નહેરૂએ તેનો શિલાન્યાસ કર્યો હતો. પરંતુ આ પરિયોજના દાયકાઓ સુધી અપપ્રચારમાં ફસાયેલી રહી. આ યોજના પર્યાવરણના નામે ચાલતાં આંદોલનમાં ફસાયેલી રહી. ન્યાયાલયો પણ આમાં નિર્ણય લેતાં અચકાતી રહી.
વર્લ્ડ બેંકે પણ આ માટે પૈસા આપવાનો ઈનકાર કરી દીધો હતો. પરંતુ આ નર્મદાના પાણીથી કચ્છનો જે વિકાસ થયો છે, વિકાસનું જે કામ થયું છે તેના લીધે કચ્છે હિન્દુસ્તાનમાં તેજ ગતિએ આગળ વધી રહેલા જિલ્લાઓમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે.
વડાપ્રધાન મોદીએ વધુમાં જણાવ્યું હતું કે કચ્છ એક પ્રકારે રણપ્રદેશ છે. છતાં તેજ ગતિએ વિકાસ કરી રહેલાં ક્ષેત્રોમાં તેમની જગ્યા બની ગઈ છે. ક્યારેક રણ પ્રદેશ તરીકે ઓળખાતું કચ્છ, એક સમયે હિજરત માટે ઓળખાતું કચ્છ આજે એગ્રો એક્ષપોર્ટના કારણે પોતાની આગવી ઓળખ બનાવી ચૂક્યું છે. આનાથી મોટો ગ્રીન એવોર્ડ શું હોઈ શકે?

